
મહીસાગર જિલ્લાના કડાણા ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી: પ્રભારી મંત્રી પી. સી. બરંડાએ લહેરાવ્યો તિરંગો
*****

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…
વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા મહીસાગર જિલ્લો મક્કમ ડગલે આગળ વધી રહ્યો છે: મંત્રી પી. સી. બરંડા
****


સરકારી યોજનાઓના આકર્ષક ટેબ્લો અને વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક કાર્યક્રમોએ પ્રજાસત્તાક પર્વની શાન વધારી
****
વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું મંત્રી હસ્તે સન્માન અને પુરસ્કાર વિતરણ
****
મહીસાગર, ૨૬ જાન્યુઆરી::
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકા મથકે આજે ૭૭મા પ્રજાસત્તાક પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી રાષ્ટ્રભક્તિના માહોલમાં કરવામાં આવી હતી. જિલ્લાના પ્રભારી મંત્રી પી. સી. બરંડાએ ગૌરવભેર ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી અને વાતાવરણ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે મંત્રી એ જિલ્લાવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ભારત આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઉભરી આવ્યું છે જેનો શ્રેય આપણા બંધારણના ઘડવૈયાઓને જાય છે.
પ્રભારી મંત્રી એ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશ ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. ગુજરાત આ વિકાસ યાત્રામાં ‘ગ્રોથ એન્જિન’ ની ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે સોમનાથ સ્વાભિમાન પર્વ અને ‘વંદે માતરમ્’ ના ૧૫૦ વર્ષની ઉજવણીનો ઉલ્લેખ કરી રાષ્ટ્રીય એકતાના જાગરણ પર ભાર મૂક્યો હતો.
મહીસાગર જિલ્લામાં રમતગમત ક્ષેત્રે આવેલા નવા જુવાળ અંગે મંત્રીએ આનંદ વ્યક્ત કરતા કહ્યું કે, ખેલ મહાકુંભમાં જિલ્લાના ૧.૩૯ લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવી ઉત્સાહ દાખવ્યો છે. હરદાસપુર ખાતે રૂ. ૧૮.૫૭ કરોડના ખર્ચે જિલ્લા કક્ષાનું આધુનિક રમત સંકુલ અને સંતરામપુરના બેણદા ખાતે રૂ. ૬.૩૫ કરોડના ખર્ચે તાલુકા કક્ષાનું સંકુલ આકાર લઈ રહ્યું છે.
જિલ્લા વહીવટી તંત્રના ‘કુપોષણ મુક્ત મહીસાગર’ પ્રોજેક્ટની સફળતા વિશે માહિતી આપતા મંત્રી એ જણાવ્યું કે, ૫૩૫ અધિકારીઓએ આંગણવાડીઓ દત્તક લઈ વ્યક્તિગત દેખરેખ રાખી છે. જેના પરિણામે છેલ્લા છ માસમાં કુપોષિત બાળકોના પ્રમાણમાં ૫૯% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે, જે બદલ જિલ્લાને મુખ્યમંત્રી દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યો છે. આરોગ્ય ક્ષેત્રે જિલ્લાએ ૬.૫૪ લાખથી વધુ આયુષ્માન કાર્ડ કાઢી ૯૦% લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, મહીસાગર જિલ્લાના આદિજાતિ વિસ્તારોના સર્વાંગી ઉત્કર્ષ માટે સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. વનબંધુ કલ્યાણ યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬માં અંદાજે ₹૩,૯૫૧ લાખની જોગવાઈ સામે આપણે ₹૪,૭૦૩ લાખના ૧,૪૪૭ વિકાસકામો મંજૂર કર્યા છે. વિશેષ કરીને, ઐતિહાસિક માનગઢ હિલના વિકાસ માટે ‘માનગઢ ઇકો વેલી પ્રોજેક્ટ’ અંતર્ગત કૃષિ, સિંચાઈ અને પશુપાલન માટે ₹૧,૪૨૫ લાખ ફાળવવામાં આવ્યા છે, જે આ વિસ્તારની કાયાપલટ કરશે.”
શિક્ષણ ક્ષેત્રે ‘જ્ઞાનકુંજ પ્રોજેક્ટ’ અને ‘જી-શાળા’ દ્વારા ૫૨૩ શાળાઓને સ્માર્ટ ક્લાસથી સજ્જ કરાઈ છે. વધુમાં, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જિલ્લામાં ૨૪,૨૪૨ આવાસો મંજૂર કરી ૧૨,૭૮૭ આવાસો પૂર્ણ કરી પરિવારોને સોંપવામાં આવ્યા છે. ખનીજ મહેસૂલની બાબતમાં સમગ્ર રાજ્યમાં ૧૦૦% ટાર્ગેટ પૂર્ણ કરનાર પ્રથમ જિલ્લા તરીકે મહીસાગરનું બહુમાન થયું છે.અંતમાં મંત્રી એ આહવાન કર્યું હતું કે, આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં યોગદાન આપીએ.
ધ્વજવંદન બાદ મંત્રી પી. સી. બરંડાએ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પોલીસ દળ, હોમગાર્ડ અને એન.સી.સી.ની ટુકડીઓ દ્વારા શિસ્તબદ્ધ રીતે યોજાયેલી માર્ચ પાસ્ટની મંત્રીશ્રીએ સલામી ઝીલી હતી. આ ઉજવણીમાં જિલ્લાના વિવિધ સરકારી વિભાગો દ્વારા રજૂ કરવામાં આવેલા વિકાસલક્ષી ટેબ્લો (ચિત્ર રથ) આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જે રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓની ઝાંખી પ્રસ્તુત કરતા હતા.શાળાઓના બાળકોએ દેશભક્તિના ગીતો પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સમગ્ર વાતાવરણને રાષ્ટ્રભક્તિથી તરબતર કરી દીધું હતું.
મંત્રી પી. સી. બરંડા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.મંત્રી ના હસ્તે વિકાસના કામો અર્થે રૂ.૨૫ લાખનો ચેક પ્રાંત અધિકારીને અર્પણ કર્યો હતો. ત્યારબાદ, પર્યાવરણની સુરક્ષાના સંકલ્પ સાથે મંત્રીશ્રીએ ‘એક પેડ મા કે નામ ૨.૦’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ, સંતરામપુર ધારાસભ્યશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી નંદાબેન, જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થ, પોલીસ અધિક્ષક સફીન હસન સહિત જિલ્લાના પદાધિકારીઓ,અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.





