GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKOVINCHCHHIYA

Rajkot: વિકાસ સપ્તાહ અંતર્ગત જસદણ-વિંછીયામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા. 9/10/2025

વાત્સલયમ્ સમાચાર

રૂ.૨૪.૪૧ કરોડનાં ખર્ચે ૨૧ ગામોમાં પથરાયેલ ૮૦ કિલોમીટર લાંબી પાઈપલાઈનમાંથી દરરોજ ૬૦ લાખ લિટરથી વધુ પાણી વિતરણ કરાશે

જસદણ-વિંછીયા પંથકને પાણીદાર અને વિકસિત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ : મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

Rajkot: ‘‘વિકાસ સપ્તાહ’’ અંતર્ગત પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ-વિંછીયા તાલુકામાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણના ભાગરૂપે ભડલી જુથ સુધારણા યોજના હેઠળના મોઢુકા મેઈન પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

રૂ.૨૪.૪૧ કરોડનાં ખર્ચે બનેલા આ પમ્પિંગ સ્ટેશનથી ૨૧ ગામોમાં દરરોજ ૬૦ લાખથી વધુ લિટર પાણી વિતરણ કરવામા આવશે. જુની યોજના મુજબ વ્યક્તિદીઠ ૭૦ લિટર પાણી વિતરણ કરાતું હતું. નવી યોજનામાં ૩૦ લિટરનો વધારો કરી વ્યક્તિદીઠ ૧૦૦ લિટર પાણી કરાયું છે. સુધારણા યોજનામાં ૨૧ ગામોમાં ૮૦ કિલોમીટરમાં આયોજનબધ્ધ પાઈપલાઈન મુકવામાં આવી છે.

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ તકે ભડલી જૂથ સુધારણા યોજના મોઢુકા મેઈન પમ્પિંગ સ્ટેશન ખાતે યોજનાનું લોકાર્પણ કરી તકતીનું અનાવરણ કર્યું હતુ. આ સાથે મંત્રીશ્રીએ પમ્પિંગ સ્ટેશન પર સ્વીચ દબાવીને પાણીની યોજના ખુલ્લી મુકી હતી. ગ્રામજનોએ મંત્રીશ્રીનું સ્વાગત અને સન્માન કર્યું હતુ.

જનસભાને સંબોધિત કરતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ‘‘વિકાસ સપ્તાહ’’ અંતર્ગત રાજ્યભરમાં વિકાસ કામોનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાઈ રહ્યાં છે. વિકાસને વરેલી રાજ્ય સરકાર જન સુખાકારીમાં વધારો કરવા આયોજનબધ્ધ કામ કરી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારતનાં સ્વપ્નને રાજ્યમાં સાકાર કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં માર્ગદર્શનમાં વિકાસ કામો થઈ રહ્યાં છે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતુ કે, જસદણ-વિંછીયા વિસ્તારને સમૃદ્ધ અને વિકસિત બનાવવા જન કલ્યાણકારી યોજનાઓ, વિકાસનાં કામો સહિત સુવિધાઓ ઉપલબ્ધ કરવામા આવી રહી છે. આ વિસ્તારમાં સિંચાઈનું પાણી, પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ, રસ્તાઓ સહિત સુવિધાઓ મળતા લોકોનું જીવનધોરણ ઊંચુ આવ્યું છે.

આ તકે તાલુકા પંચાયત પ્રમુખશ્રી નીતાબેન ગઢાદરાએ કહ્યું હતુ કે, રાજ્ય સરકાર જે વચન આપે છે તે અચૂક નિભાવે છે. સિનિયર કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ પંથકમાં વિકાસ કામો કરીને વિસ્તારને પાણીદાર બનાવ્યો છે.

એ.પી.એમ.સી.નાં ચેરમેનશ્રી કડવાભાઈએ મંત્રીશ્રીની કામગીરીને બિરદાવી, ખેડૂત કલ્યાણકારી યોજનાઓથી ખેતી અને ખેડૂતો સમૃદ્ધ થયા છે તેમ કહ્યું હતુ.

અગ્રણીશ્રી ભાવેશભાઈ તેમજ શ્રીઅશ્વિનભાઈએ જસદણ-વિંછીયામાં શિક્ષણ, આરોગ્ય, જન કલ્યાણકારી યોજનાઓની અમલવારી સહિત કામગીરીની સરાહના કરી હતી.

પાણી પુરવઠા વિભાગનાં મુખ્ય ઇજનેરશ્રી આર.આર.ખારવાએ ભડલી જુથ સુધારણા યોજનાની વિસ્તૃત જાણકારી આપી હતી.

ભડલી જૂથ યોજના અંદાજે ૨૪ વર્ષ જુની ૭૦ એલ.પી.સી.ડી. મુજબની હોવાથી વારંવાર પાઈપલાઈન ભંગાણ થવા, પંપીંગ મશીનરી ખરાબ થવા કે લાઈટના પેનલ બોર્ડ ખરાબ થવાના પ્રશ્નો ઉપસ્થિત થતા હતા, જેને લીધે પાણી વિતરણમાં વિક્ષેપ ઉભો થતો હતો. આથી ભડલી જુથ સુધારણા યોજનામાં વિંછીયા તાલુકાના ૧૪ ગામ તથા જસદણ તાલુકાના ૭ ગામ મળી કુલ ૨૧ ગામના લોકો માટે એન.સી. બલ્ક પાઈપલાઈન, ભાંભણ હેડવર્કસ આધારીત ભડલી જૂથ પાણી પુરવઠા યોજનાને ૧૦૦ એલ.પી.સી.ડી. મુજબ પાણી વિતરણ કરવા માટે જરૂરી પાઈપલાઈન તેમજ આનુષાંગીક ઘટકોને નવીનીકરણ કરવાની કામગીરી જનરલ રીજીઓનલ વોટર સપ્લાય સ્કીમ કાર્યક્રમ અંતર્ગત આયોજન કરાયું હતુ.

વધુમાં નવાગામથી આંબરડી ૧૯૫૦ મીટર, ૨૦૦ મી.મી વ્યાસની પી.વી.સી. પાઈલાઈનના સેક્શનમાં પણ નવીન પાઈપલાઈનની કામગીરી પુર્ણ કરી મરામત અને નિભાવણીની કામગીરી શરૂ કરવામા આવી છે. કાર્યક્રમનાં અંતે ઉપસ્થિત સૌએ ભારત વિકાસ શપથ ગ્રહણ કર્યા હતા.

કાર્યક્રમમાં રમેશભાઈ, અમરસિંહભાઈ, કાળુભાઈ, ભુપતભાઈ સહિત મહાનુભાવશ્રીઓ, જુદા જુદા ગામોનાં સરપંચશ્રીઓ, અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!