Vinchhchiya: વિંછીયા તાલુકામાં વિકાસ કામનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૧૯/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રૂ.૨.૫૦ કરોડનાં ખર્ચે લાલાવદર-ખડકાણા- બિલેશ્વર રોડને રીસર્ફેસ કરાશે
આ વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવા સરકાર કટિબદ્ધ: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot, Vinchhchiya: જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે વિંછીયા તાલુકાના ગુંદાળા (જસ) ખાતે રીસરફેસિંગ ટુ રોડ્સ ઓફ એસ.એચ.ટુ લાલાવદર-ખડકાણા-બિલેશ્વર રોડનું ખાતમુહૂર્ત કરાયુ હતું.
ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતુ કે, આ વિસ્તારને સમૃદ્ધ બનાવી, સર્વાંગી વિકાસ કરવા સરકાર કટિબદ્ધ છે. લોકોને સિંચાઈ તેમજ પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને પશુપાલન સહિત તમામ ક્ષેત્રે થઈ રહેલા વિકાસનો લાભ મળી રહ્યો છે, રસ્તા તેમજ વિકાસનાં અન્ય કામો સમયસર અને ગુણવત્તાસભર બને તેની તકેદારી પણ રાખવામાં આવે છે. આવનારા દિવસોમાં હિંગોળગઢ બાજુમાં વેટરનરી કોલેજ બનાવાશે. આ માટે દરખાસ્ત પણ કરવામા આવી છે. જસદણ-વિંછીયા વિસ્તારોમાં પમ્પિંગ સ્ટેશનો તેમજ તળાવોને જોડવાની યોજના બનાવીને પંથકને હરિયાળો બનાવાયો હોવાનું તેમણે કહ્યું હતુ.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત દેશ બનવા આગેકૂચ કરી રહ્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનાં ફળ વિંછીયાનાં છેવાડાનાં ગ્રામજનોને પણ સરળતાથી મળી રહ્યાં છે, તેમ જણાવ્યું હતું.
રૂ.૨.૫૦ કરોડનાં ખર્ચે બનનાર આ રોડ સાડા ત્રણ કિલોમીટર લાંબો તેમજ ૩.૭૫ મીટર પહોળો બનશે. રોડ પર આવતા નાલિયા સરખા કરાશે.જુના કોઝવે પર વેરીંગ કોટ, ત્રણ લેયરમાં ડામરકામ તેમજ જરૂરિયાત મુજબ માટી કામ કરાશે. રોડની બંને સાઈડમાં થર્મોપ્લાસ્ટના પટ્ટાઓ કરાશે. રોડ નવો બનતા આસપાસનાં ગામ લોકોને તેમજ ખેડૂતોને વાહન ચલાવવામાં સરળતા રહેશે.
આ તકે બિલેશ્વર મહાદેવના મહંતશ્રી નિર્મળાનંદ બાપુએ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્રારા કરાતા વિકાસનાં કામોની સરાહના કરી મંત્રીશ્રીને આશીર્વાદ પાઠવ્યા હતા. અગ્રણી શ્રી અશ્વિનભાઈ સાકરીયાએ મંત્રીશ્રી તેમજ ગ્રામજનોને આવકારી, સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા નાગરિકોને અપીલ કરી હતી.
માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી કડવાભાઈએ જસદણ વિંછીયાના ગ્રામીણ વિસ્તારોમાં એક ગામને બીજા ગામથી જોડતા તેમજ ગામથી શહેરને જોડતા પાકા રસ્તાઓ બનાવી આપવા બદલ મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સિંચાઈ યોજનાઓથી ખેડૂતોને ખેતીના પાકનું વધુ ઉત્પાદન તેમજ સારા ભાવ મળી રહ્યા હોવાનું ચેરમેનશ્રીએ કહ્યું હતું.
માર્ગ અને મકાન વિભાગના અધિકારી શ્રી તેજસભાઈએ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનનારા આ રસ્તાની રૂપરેખા આપી હતી. ઢસાથી ચોટીલા સુધી પગપાળા યાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુઓને મંત્રીશ્રીએ બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે સન્માનિત કર્યા હતા.
ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અગ્રણી પ્રતાપભાઈ, નાથાભાઈ, રાયગણભાઈ, પ્રવીણભાઈ, લાલભાઈ, વિપુલભાઈ, માલાબેન, કનુબેન સહિત વિવિધ ગામોનાં સરપંચશ્રીઓ, અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.