Rajkot: પ્રિ-વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત રાજકોટમાં ક્લસ્ટર રોજગાર ભરતી મેળાનો શુભારંભ કરાવતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૩/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજ્ય સરકાર યુવાનો અને મહિલાઓને રોજગારી માટે સતત પ્રયત્નશીલ: મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot: “પ્રિ-વાઈબ્રન્ટ સમીટ એકટીવિટી”અંતર્ગત “ક્લસ્ટર રોજગાર ભરતી મેળા”નો શુભારંભ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ દિપ પ્રાગટ્ય વડે કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર યુવાનો-મહિલાઓને રોજગારી મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યુવાઓના અભ્યાસ-રોજગાર અને તેમના સંર્વાગી વિકાસ માટે પુરતી તકોનું નિર્માણ કરવા માટે કાર્યરત છે. આગામી દિવસોમાં રાજકોટ ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ થકી અનેક નવી રોજગાર અને વિકાસની તકો યુવાનોને મહિલાઓને પ્રાપ્ત થશે.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી “ભારત @ 2047” ના માટે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ “ગુજરાત@ 2035” માટે “વિકસિત ગુજરાત” બનાવવાના વિઝન સાથે સતત કાર્યરત છે. તેમના વિઝનને સાકાર બનાવવા યુવાનો-મહિલાઓ-ખેડૂતો અને છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના “નાગરિક પ્રથમ”ના અભિગમને વરેલી રાજ્ય સરકાર નાગરિકો માટે અનેકવિધ સુવિધાઓ પૂરી પાડવા કટિબધ્ધ છે. આવનારા સમયમાં ઇન્ડસ્ટ્રીઝને જરૂરી મેનપાવર પૂરો પાડવા સૌરાષ્ટ્ર કચ્છના યુવાનોને આઈ.ટી.આઈ ના માધ્યમ દ્વારા સ્કીલ્ડ મેનપાવર તરીકે વિકસિત કરવામાં આવશે. અનુબંધમ પોર્ટલ પર હાલમાં ૩,૦૦૦ જેટલા નોકરી દાતાઓ અને ૨૬,૦૦૦ થી વધુ નોકરીવાંચ્છુઓ રજીસ્ટર્ડ થયા છે.
ધારાસભ્યશ્રી દર્શિતાબેને કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ગુજરાતનો યુવાન “જોબ સીકર્સ નહીં પણ જોબ ગિવર” બને તે દિશામાં આગળ વધવા માટે ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં રાજ્ય આગળ વધી રહ્યું છે. વર્તમાન સમયમાં દેશમાં ૬૫% થી વધુ યુવાનો સમગ્ર વિશ્વમાં માત્ર ભારતમાં છે ત્યારે યુવાનોને રોજગારી મળે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સંકલ્પ છે કે ગુજરાતમાં રોજગારી મહત્તમ પ્રમાણમાં મળી રહે. આવનારા સમયમાં રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સના કારણે રોજગારીની અનેક નવી તકો ઊભી થશે જે આવનારા સમયમાં યુવાનોના ભવિષ્યને વધુ ઉજ્જવળ અને સક્ષમ બનાવશે.
ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે રોજગારી મેળવવાની સાથોસાથ આવડતના આધારે તેને ટકાવી રાખવી પણ ખૂબ જ જરૂરી છે. દરેક યુવાને રોજગારી મળી ગયા પછી તેની સ્કિલને સતત અપગ્રેડેશન કરતી રહેવી જરૂરી છે વાઇબ્રન્ટ ગુજરાત જેવી ઇવેન્ટ્સના કારણે મહત્તમ કંપનીઓ સૌરાષ્ટ્ર કચ્છમાં સ્થપાશે જેના કારણે ઘર આંગણે રોજગારનો લાભ દરેક યુવાનને મળશે. તમામ લોકોને રોજિંદા જીવનમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ કરવા ધારાસભ્યશ્રી ટીલાળાએ અનુરોધ કર્યો હતો.
નિયામકશ્રી, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમની કચેરી, ગાંધીનગર અને મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી – રાજકોટ, જિલ્લા રોજગાર વિનિમય કચેરી – જામનગર, દેવભૂમી દ્વારકા અને પી.ડી.માલવિયા કોલેજ ઓફ કોમર્સ- રાજકોટના સંયુક્ત ઉપક્રમે માલવિયા કોલેજના કેમ્પસમાં યોજાયેલા આ ભરતી મેળામાં મંત્રી શ્રી બાવળીયાએ તમામ સ્ટોલની રૂબરૂ મુલાકાત લઈ, કંપનીઓની કામગીરી વિશે માહિતી મેળવી હતી.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ઉત્પલ જોશી અને જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું
આ પ્રસંગે પીડી માલવિયા કોલેજના પ્રિન્સિપાલ શ્રી કમલેશ જાનીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને સંસ્થાની માહિતી આપી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે આ રોજગાર ભરતી મેળામાં અંદાજિત ૬૦ થી વધુ કંપનીઓ અને ૧૧૦૦ જેટલી પોસ્ટ માટે ૧૦૦૦ થી વધુ રજીસ્ટ્રેશન થયું હતું.
આ પ્રસંગે સંસ્થાના ચેરમેન ઘનશ્યામભાઈ હેરભા, ટ્રસ્ટી શ્રી બાબુભાઇ ખીમાણીયા, શ્રી મયુરભાઈ ખીમાણીયા, રોજગાર અધિકારી શ્રી ચેતના મારડિયા, રાજકોટ જામનગર દ્વારકા તથા રાજકોટ જિલ્લાના તમામ તાલુકાની આઈ.ટી.આઈ. ના પ્રિન્સિપલશ્રીઓ સહિત વિવિધ કંપનીના પ્રતિનિધિઓ-કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




