ડીસા ખાતે રૂ.૬.૫૦ કરોડના વિકાસપથ માર્ગનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી

5 ડીસેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
મીઠા- થરાદ- ડીસા માર્ગ બનશે વિકાસપથ: ડીસા-આખોલ ચાર રસ્તા પર ટ્રાફિક સમસ્યાનો આવશે કાયમી ઉકેલ.બોક્સ ડ્રેઈન, સર્વિસ રોડ અને જંકશન ડેવલોપમેન્ટથી ટ્રાફિકમાં સરળતા બની રહેશે.બનાસકાંઠા જિલ્લામાં માર્ગ સુવિધાઓને વધુ સજ્જ, સુવ્યવસ્થિત અને સલામત બનાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ:- મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો હેઠળ સરકારશ્રી દ્વારા રાજ્યમાં નવીન પાકા રસ્તાઓ, રસ્તાઓનું નવીનીકરણ, ગામ થી ગામને જોડતા માર્ગ સહિતના વિકાસ કાર્યો પુરઝડપે થઈ રહ્યા છે. સરકારશ્રીના વિકાસપથ અંતર્ગત નવા માર્ગોના નિર્માણ અને નવીનીકરણથી પરિવહન ક્ષેત્ર નાગરિકો માટે વધુ સુગમ બન્યું છે.
આજરોજ રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જ રાજ્યમંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ ડીસા ખાતે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના મીઠા- થરાદ- ડીસા માર્ગનું ખાતમુર્હુત કર્યું હતું. રાજ્ય સરકારે આ માર્ગને “વિકાસપથ” તરીકે વિકસાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર રૂ. ૬.૫૦ કરોડના ખર્ચે મીઠા- થરાદ- ડીસા માર્ગ (કી.મી.૮૭/૭૯૦ થી ૮૮/૨૯૦- આખોલ ચાર રસ્તા)ને વિકાસપથ તરીકે વિકસિત કરશે. સદર માર્ગ થકી નાગરિકોને મુસાફરીમાં સુલભતા પ્રાપ્ત થશે. આ પ્રસંગે મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં માર્ગ સુવિધાઓને વધુ સજ્જ, સુવ્યવસ્થિત અને સલામત બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ વિકાસપથ માર્ગ પૂર્ણ થતાં ડીસા સહિત આસપાસના ગામના નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે અને આર્થિક-સામાજિક વિકાસને પણ વેગ મળી રહેશે.
સદર રસ્તો નેશનલ હાઈવે સાથે જોડતો તેમજ ડીસા, ધાનેરા, લાખણી, થરાદ, વાવ અને દિયોદર તાલુકા મથકોને કનેક્ટ કરતો અત્યંત મહત્વનો માર્ગ છે. ચેઈનેજ ૮૭/૭૯૦ થી ૮૮/૨૯૦ સુધી આવેલ ડીસા આખોલ ચાર રસ્તા વિસ્તારમાં એસ.એચ.નં. ૫૪ અને એન.એચ. એકબીજાને જોડતા હોવાથી અહીં ભારે અને અતિભારે વાહનોનું સતત ટ્રાફિક રહેતું હોય છે. ખાસ કરીને ચોમાસા દરમ્યાન જંકશન વિસ્તારમાં મોટી માત્રામાં વરસાદી પાણી ભરાઈ રહેતાં માર્ગમાં મોટા ખાડા પડી જતા હોવાથી વાહન વ્યવહારમાં અવરોધ ઉભો થાય છે. ટ્રાફિક સમસ્યા અને પાણીના નિકાલની સમસ્યાને દૂર કરવા માર્ગ પર બોક્સ ડ્રેઈન, સર્વિસ રોડ તથા જંકશન ડેવલોપમેન્ટના કામ હાથ ધરવામાં આવી રહ્યા છે, જે પૂર્ણ થતાં વરસાદી પાણીનો કાયમી નિકાલ થશે અને વાહન વ્યવહાર વધુ સરળ બનશે. આ કાર્યક્રમ દરમિયાન માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.







