ખાનપુર અને કડાણા તાલુકાના અનેક ગામોને સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા સુદ્રઢ કરવા મંત્રીશ્રીનું સ્થળ નિરીક્ષણ

જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ મહીસાગર જિલ્લાના પ્રવાસે…
રિપોર્ટર …. અમીન કોઠારી મહીસાગર
ખાનપુર અને કડાણા તાલુકાના અનેક ગામોને સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા સુદ્રઢ કરવા મંત્રીશ્રીનું સ્થળ નિરીક્ષણ
મહીસાગર, ૧૭ જાન્યુઆરી::
ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી ઈશ્વરસિંહ પટેલે આજે મહીસાગર જિલ્લાના વિવિધ જળ પ્રકલ્પોની પ્રત્યક્ષ મુલાકાત લઈ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામીણ વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીના વિતરણની વ્યવસ્થા વધુ મજબૂત કરવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
મંત્રીશ્રીએ વર્ષ ૨૦૨૨થી કાર્યરત ખાનપુર-પાદેડી ઉદવહન સિંચાઈ યોજનાના પંપીંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ યોજના રૂ. ૫૪ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે, જેની લંબાઈ ૪૬ કિ.મી. છે અને તે ખાનપુર તાલુકાના ૨૫ તળાવો ભરીને ૮૦૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા પૂરી પાડે છે. ત્યારબાદ તેમણે કડાણા તાલુકાની સરસડી LI યોજનાનું નિરીક્ષણ કર્યું હતું.

પીવાના પાણીની વ્યવસ્થાના ભાગરૂપે મંત્રીશ્રીએ ખાનપુર તાલુકાના બામરોડા ગામે કારંટા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્મિત પાણીની ટાંકી અને ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ યોજનામાં ૪૩,૦૦,૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતો સંપ (Sump) તૈયાર કરવામાં આવ્યો છે, જેના દ્વારા વિસ્તારના અનેક ગામોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે.
મંત્રીશ્રીએ મહીસાગરની જીવાદોરી સમાન કડાણા ડેમની મુલાકાત લઈ જળ સંગ્રહની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત તેમણે નરોડા તળાવની મુલાકાત લઈ સ્થાનિક જળ સંચયના કામોનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ નાની ક્યારી ખાતે કડાણા દાહોદ ઉદ્વહન સિંચાઇ યોજના પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. મંત્રીની આ મુલાકાતથી જિલ્લાના સિંચાઈ અને પાણી પુરવઠાના કામોને નવી ગતિ મળશે.
આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય કુબેરભાઇ ડિંડોર, પૂર્વ ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક, કાળુભાઇ માલીવાડ, અગ્રણી દશરથભાઈ બારીયા, અધિક્ષક ઈંજનેર એસ. પી. ગામીત, કડાણા વિભાગના કાર્યપાલક ઈંજનેર દિપ્તી જા પાંડે સહિત અધિકારીઓ કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




