ડાંગ જિલ્લાના દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં વસતા આદિવાસી સમાજ માટે આરોગ્ય સેવાઓ એક મોટો પડકાર રહ્યો છે, પરંતુ “ડાંગ મિત્ર સંસ્થા” દ્વારા સંચાલિત “મિત્ર સંજીવની” પ્રોજેક્ટ આ વિસ્તારમાં આશાનું નવું કિરણ લઈને આવ્યો છે.આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યંત પછાત ગણાતા વિસ્તારોમાં પણ લોકોને નિઃશુલ્ક અને શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહી છે. ડાંગ જેવા ભૌગોલિક રીતે વિષમ જિલ્લામાં જ્યાં હોસ્પિટલ સુધી પહોંચવું મુશ્કેલ હોય છે, ત્યાં આ સંસ્થા દ્વારા હાલમાં આશરે ૩૫ જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં એક મહિલા ડૉક્ટર અને એક નર્સની ટીમ સતત કાર્યરત રહે છે, જે નિયમિતપણે ગામડાઓની મુલાકાત લઈને દર્દીઓની તપાસ કરે છે. આ ઉપરાંત, આ ઉમદા કાર્યમાં સહયોગ આપવા માટે નજીકના અન્ય જિલ્લાઓમાંથી પણ અનુભવી તબીબો સમયાંતરે ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં આવીને પોતાની સેવાઓ પ્રદાન કરે છે, જેથી જટિલ બીમારીઓનું પણ યોગ્ય નિદાન થઈ શકે.ડાંગ જિલ્લામાં વસતી મહિલાઓ સામાન્ય રીતે પોતાના સ્વાસ્થ્ય અને ખાસ કરીને સ્ત્રી સંબંધિત ગંભીર સમસ્યાઓ વિશે જાહેરમાં વાત કરવામાં ભારે સંકોચ અને અચકાવ અનુભવતી હોય છે. આવા સંજોગોમાં, આ પ્રોજેક્ટ હેઠળ મહિલા ડૉક્ટર દ્વારા જ સેવા આપવામાં આવતી હોવાથી સ્થાનિક મહિલાઓમાં વિશ્વાસ વધ્યો છે અને તેઓ હવે મુક્ત મને પોતાની સ્વાસ્થ્ય સમસ્યાઓની ચર્ચા કરી યોગ્ય સારવાર મેળવી રહી છે. આ પરિવર્તન ડાંગની મહિલાઓના સ્વાસ્થ્ય સ્તરમાં સુધારો લાવવા માટે અત્યંત મહત્વનું સાબિત થઈ રહ્યું છે. આ સમગ્ર સેવાકીય યજ્ઞને વેગવંતો બનાવવામાં હસમુખભાઈ, હસુભાઈ અને તરુણભાઈ જેવા સેવાભાવી દાતાઓનો અમૂલ્ય ફાળો રહ્યો છે.આ દાતાઓ દ્વારા સંયુક્ત રીતે એક મેડિકલ વાનનું દાન કરવામાં આવ્યું છે, જે હવે એક પ્રકારની “મોબાઈલ હોસ્પિટલ” તરીકે કાર્ય કરી રહી છે.આ વાનની સુવિધાને કારણે તબીબી ટીમ ડુંગરાળ અને અંતરિયાળ ગામો સુધી દવાઓ અને સાધનો સાથે સરળતાથી પહોંચી શકે છે, તેમજ આ દાતાઓ દ્વારા સતત જરૂરી દવાઓનો જથ્થો પણ પૂરો પાડવામાં આવે છે.“મિત્ર સંજીવની” પ્રોજેક્ટની સફળતા તેના આંકડાઓ પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટના માધ્યમથી ૨૭૦૦થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓની તપાસ કરી તેમને જરૂરી સારવાર અને દવાઓ પૂરી પાડવામાં આવી છે. માત્ર વ્યક્તિગત સારવાર જ નહીં, પરંતુ ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ૩૨ જેટલી શાળાઓ અને ૨૦ આંગણવાડીઓમાં આરોગ્ય તપાસણી શિબિરો અને જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. ગ્રામીણ જનતામાં સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા આવે તે હેતુથી ઠેર-ઠેર જાગૃતિ ફેલાવતા બેનરો લગાવવામાં આવ્યા છે, જે લોકોને રોગચાળા અને સ્વચ્છતા પ્રત્યે સતર્ક કરે છે. આમ, ડાંગ મિત્ર સંસ્થા દ્વારા સંચાલિત આ પ્રોજેક્ટ માત્ર બીમારીની સારવાર જ નથી કરતો, પરંતુ છેવાડાના માનવી સુધી માનવતા અને સેવા પહોંચાડીને સમાજમાં એક સકારાત્મક અને સ્વાસ્થ્યપ્રદ પરિવર્તન લાવવાનું પ્રશંસનીય કાર્ય કરી રહ્યો છે..
«
Prev
1
/
124
Next
»
પંકજ ડાઈંગ મિલની બેદરકારી, કેમિકલયુક્ત પાણી જાહેર રોડ પર ફરી વળતા રોષ
કોંગ્રેસ રાજપીપળા પાલિકાની તમામ ૨૮ બેઠકો ઉપર ઉમેદવારો ઉતારશે