
ડેડિયાપાડામાં અટકાવાયેલા રોડ કામ ફરી શરૂ કરવાની માંગ કરતાં MLA ચૈતર વસાવા
સાબિર મેમણ – ડેડીયાપાડા – 17/01/2026 – આજે નર્મદા જિલ્લા સંકલન તથા ફરિયાદ નિવારણ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લા સેવા સદન રાજપીપલા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન નર્મદા જિલ્લાના લોકોની વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ મિડિયા સમક્ષ વાત કરતાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે બેઠકમાં નર્મદા જિલ્લામાં આવેલા આદિજાતિ સંચાલિત છાત્રાલયોમાં ફૂડ બિલ, વિદ્યાર્થીઓના ભણતર અને રહેવાની વ્યવસ્થાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વન વિભાગ દ્વારા ડેડિયાપાડા વિસ્તારમાં ચાલી રહેલા ડામરના રોડના કામ અટકાવવામાં આવ્યા છે, તે કામ તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.
ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના લોકોના હિતમાં વહીવટી તંત્ર અને પદાધિકારીઓ વચ્ચે યોગ્ય સંકલન થકી કામકાજ આગળ વધે તે જરૂરી છે. બેઠકમાં નેશનલ હાઇવે પર આવેલા કેટલાક બ્રિજ બંધ હોવાના મુદ્દે ચર્ચા કરી તેને વહેલી તકે શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાનાં તમામ તાલુકામાં શબવાહિની પૂરી પાડવામાં આવે, કરજણ ડેમનાં વિસ્તાપિત, નર્મદા ડેમનાં છ જેટલા અસરગ્રસ્ત ગામોને વળતરથી વંચીત રાખવામાં આવ્યા છે, તેઓને તેમની જમીન મળે તે દિશામાં ચર્ચા કરવામાં આવી છે. AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે વન અધિકાર અધિનિયમ અંતર્ગત નર્મદા જિલ્લામાં કુલ 5,360 દાવાઓ પેન્ડિંગ પડ્યા હોવાનું જણાવી આ બાબતે વિશેષ કમિટીની બેઠક બોલાવવાની માંગ પણ કરવામાં આવી હતી. ઉપરાંત એટીવીટી (ATVT)ની બેઠક દરમિયાન જે સભ્યને લઈને વિવાદ થયો હતો, તે સભ્યની બદલી કરવામાં આવે તેવી માંગ પણ રજૂ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગમાં ભરતી પ્રક્રિયામાં રહેલી ઘટ, તેમજ શાળાઓમાં ઓરડાની અછત સહિતના મુદ્દાઓના નિવારણ માટે પણ રજૂઆત કરવામાં આવી હતી અને આ તમામ બાબતોનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હોવાનું જણાવાયું હતું. એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મોટા પ્રોજેક્ટોને રાતોરાત મંજૂરી મળી જાય છે, જ્યારે વર્ષોથી ગામડાઓમાં આવન-જાવન માટેના રસ્તાઓ માટે મંજૂરી આપવામાં આવતી નથી. પરિણામે અનેક રસ્તાઓના કામ અટકાવવામાં આવ્યા છે. આ તમામ મુદ્દાઓ પર વહીવટી તંત્રને તાત્કાલિક સંકલન કરીને લોકોના હિતમાં સકારાત્મક અને ઝડપી નિર્ણય લેવાય તેવી વિનંતી બેઠકમાં કરવામાં આવી હતી. અમને પ્રશ્નોના નિરાકરણ કરવા માટે આશ્વાસન આપવામાં આવ્યું છે પરંતુ જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં કચેરીઓમાં ધરણાં પ્રદર્શન કરીશું.




