
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ તાલુકાના કોયલીમાંડવી પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના વાલીઓ, શાળાના SMC સભ્યો તથા ગામના વડીલો અને શાળા પરીવાર હાજર રહ્યા હતા.
ધોરણ – 8 ના વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય કવિભાઈ વસાવા દ્વારા શૈક્ષણિક કારકિર્દીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધોરણ -8 ના વિદ્યાર્થીઓએ પૂરા વર્ષ દરમિયાન કરેલ સહ અભ્યાસિક કામગીરીને ઈનામ વિતરણ કરી બિરદાવી હતી. શાળાના આચાર્ય તરફથી ધોરણ -8 માં શૈક્ષણિક સિધ્ધિમા સારું પરિણામ લાવી 1 થી 5 ક્રમમા આવનાર દરેક વિદ્યાર્થીને 2000/- રૂપિયાનું પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ આગળ ભણી શકે તે માટે આર્થિક રીતે સહાયરૂપ બનવાનું વચન પણ શાળાના આચાર્ય કવિભાઈ વસાવાએ આપ્યું હતું. શાળામાં વર્ષ દરમિયાન થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીઓને પેન, પેડ અને કંપાસ પાઉચ આપી સન્માનિત કર્યા હતા. ધોરણ -8 ના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ લીડરશીપ અને બેસ્ટ બેહવિયર એવોર્ડથી પણ સન્માનિત કરી ઈનામ વિતરણ કર્યું હતું. તમામ શિક્ષક-સ્ટાફ મિત્રોએ પણ બાળકોને આગળ ભણી- ગણીને કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે પધારેલ સૌ ગ્રામજનોએ વિદ્યાર્થીઓ સાથે બેસી તિથી ભોજન કર્યું હતું. આમ, પ્રાથમિક શાળા કોયલીમાંડવી ખાતે ખૂબ ઉત્સાહથી વિદાય સમારંભ અને સન્માન સમારંભ થયો હતો. વિદ્યાર્થીઓની આંખમાં આસું સાથે હોઠો પર સ્મિત જોવા જેવુ હતું.



