AHAVADANGGUJARAT

ડાંગ:-હાથિપગાને દેશવટો આપવાના કાર્યમાં સૌને સહયોગી થવાની અપીલ કરતા ધારાસભ્ય વિજયભાઈ પટેલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વઘઇ તા.૧૦- ડાંગ જિલ્લામાં એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત સામુહિક દવા વિતરણના કાર્યક્રમની શરૂઆત કરાવતા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે, સ્વયં ગોળી ગળી તાલુકાના તમામ લક્ષિત લાભાર્થીઓને ગોળી ગળવાની અપીલ કરી હતી. તા.૧૦ થી ૧૨ ફેબ્રઆરી દરમિયાન વઘઇ તાલુકામા હાથ ધરાયેલા સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે, હાથિપગાને દેશવટો આપવાના કાર્યમાં સૌને સહયોગી થવાનો પણ આ વેળા અનુરોધ કર્યો હતો.

એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૭ સુધીમાં ફાઇલેરિયા નિર્મુલન અંગેનો લક્ષ્યાંક નક્કી કરવામા આવ્યા છે. જે કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ૯૭ ગામોના કુલ ૯૧૬૩૪ લોકોને DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટનો સામુહિક દવા વિતરણનો કાર્યક્રમ તારીખ ૧૦ થી ૧૨ ફેબ્રઆરી દરમિયાન વઘઇ તાલુકાની મુખ્ય સાકરપાતળ, ઝાવડા અને કાલીબેલ પી.એચ.સી દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જેમાં વઘઇ તાલુકાની તમામ આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યિક શાળા તેમજ કોલેજોમાં સામુહિક દવા વિતરણનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવાના ભાગરૂપે, પ્રજાજનોમાં તેનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય તે માટે, જનપ્રતિનિધી તરીકે ધારાસભ્ય વિજયભાઇ પટેલે, વઘઇ સ્થિત તાલુકા શાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને પ્રેરણા પુરી પાડી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદરભાઇ ગાવિત સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહી સ્વંય ગોળી ગળી તાલુકાના તમામ લક્ષિત લાભાર્થીઓને ગોળી ગળવાની અપીલ કરી હતી.

ડાંગ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિંમાશુ ગામિતના માર્ગદર્શન હેઠળ, ડી.એમ.ઓ ડો.દિલીપ શર્મા, તાલુકા હેલ્થ ઓફિસર ડી.સ્વાતિ પટેલ, તબીબી અધિકારીઓ તથા તેમની ટિમ દ્વારા, નિયત સ્ટ્રેટેજી અનુસાર, જિલ્લાના લક્ષિત વિસ્તારોમા ફાઇલેરીયા રોગ સર્વે માટે નાઇટ બ્લડ સર્વેની કામગીરી હાથ ધરતા, વઘઇ તાલુકાના વિસ્તારમા નક્કી કરેલ સર્વેની સાઇટ્સમા માઇક્રો ફાઇલેરિયા રેટ ૧ થી વઘુ નોંધાતા તારીખ ૧૦ થી ૧૨ ફેબ્રઆરી દરમિયાન વઘઇ તાલુકાની સાકરપાતળ, ઝાવડા અને કાલીબેલ પી.એચ.સી દ્વારા સામુહિક દવા વિતરણ હાથ ધરવામા આવી રહ્યો છે. જેમા વઘઇ તાલુકાના ૯૭ ગામોના કુલ ૯૧૬૩૪ લોકોને આવરી લેવામા આવ્યા છે. દરમિયાન આરોગ્યકર્મીઓ દ્વારા “ડોટ પધ્ધતી” મુજબ રૂબરૂમા દરેક DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટ આપવામા આવશે. ફાઇલેરિયા મુક્ત ભાવી પેઢી માટે આ દવા લેવી ખૂબ જરૂરી છે. ત્યારે કોઈ પણ પ્રકારની આડઅસર ન ધરાવતી આ દવા લઈ, સૌ હાથીપગાથી મુક્ત ભાવી પેઢી બનાવવા માટે કટીબધ્ધ બને તે જરૂરી છે.

Back to top button
error: Content is protected !!