
વાત્સલ્યમ સમાચાર
ડાંગ
ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગોના નવિનિકરણના શ્રુંખલાબધ્ધ કાર્યક્રમો ઉપરાંત પણ હજી બાકી રહી જતાં અંતરિયાળ માર્ગોનું કામ, રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે હાથ ધરવા માટે પ્રતિબધ્ધ છે તેમ નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યુ હતું.
સૌના સહિયારા પ્રયાસો અને સાથ સહયોગથી ડાંગની પ્રાથમિક જરૂરિયાતના તમામ કાર્યો પૂર્ણ કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરતાં શ્રી પટેલે, ડાંગ જિલ્લાના થઈ રહેલા સર્વાગિણ વિકાસનો ખ્યાલ આપ્યો હતો.
ડેમના મુદ્દે લોકોને ભ્રમિત કરતાં લોકોથી ભરમાવાને બદલે, ડાંગના વિકાસ માટે નાના નાના શ્રેણીબદ્ધ ડેમો બનાવી ડાંગનું પાણી ડાંગમાં જ રોકીને સિંચાઇ સુવિધા ઉપલબ્ધ કરવાના પ્રયાસોની પણ તેમણે આ વેળા હિમાયત કરી હતી.
તાપી નદીનું પાણી ડાંગના ડુંગરો પર ચઢાવીને ડાંગી જનોની પ્યાસ છીપાવવાનું પુણ્ય કાર્ય ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે કર્યું છે, તેમ જણાવતા નાયબ મુખ્ય દંડકશ્રીએ સર્વાગિણ વિકાસના કામોમાં સૌનો સાથ, સૌનો પ્રયાસ, અને સૌના સહકારની હિમાયત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ચિંચીનાગાવઠા ગામે આયોજિત ખાર્તમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન (૧) ભવાડી વી.એ રોડ, (૨) ગીરા દાબદર રોડ, (૩)ચિંચીનાગાવઠા વી.એ.રોડ, (૪) કુકડનખી વી.એ.રોડ, તથા કૂડકસ વિલેજ ટુ સ્મશાન રોડ મળી કુલ રૂ.૧૫૧.૨૦ લાખના ૪.૭૦ કિલોમીટરની લંબાઈના રસ્તાના નવિનિકરણની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો.
ચિંચીનાગાવઠા સહિત એક જ દિવસમાં ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે જિલ્લાના ઘોડવહળ, આહેરડી, સાકળપાતળ, અને માછળી ગામે કુલ રૂ.૧૭૭૧.૨ લાખના વિવિધ ૩૦ જેટલા ૪૫.૦૭૫ કિલોમીટર લંબાઈના માર્ગોનું પણ ખાર્તમુહૂર્ત કર્યું હતું. તથા રૂ.૬૨૫ લાખના નદી પર સ્ટ્કચરના કામો અને ઘોડવહળ બ્રિજના કામનો શુભારંભ કરાવ્યો હતો.
કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ સહિત જિલ્લા પંચાયતના અધ્યક્ષ નિર્મળાબેન ગાઈન, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત, આદિજાતિ મોરચાના પ્રદેશમંત્રી સુભાષભાઈ ગાઈન, સરપંચ શ્રી સંકેતભાઈ બંગાળ, એસ.એસ.માહલા કેમ્પસના ડીરેક્ટર શ્યામભાઈ માહલા, સ્થાનિક અધિકારી/પદાધિકારીઓ સહિત લાભાર્થી ગામોના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






