BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

કેનેડાના બ્રેમ્પ્ટનમાં ટ્રક-કારનો ભયાનક એક્સિડેન્ટ: ભરૂચનો વિદ્યાર્થી અને અમદાવાદની વિદ્યાર્થિની સહિત 3ના મોત, આમોદના MLAએ મૃતદેહ વતનમાં લાવવા માગ કરી

સમીર પટેલ, ભરૂચ

કેનેડાના બ્રેમ્પ્ટનમાં એક દુઃખદ માર્ગ અકસ્માતમાં ભરૂચ જિલ્લાના આમોદના 25 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. કેનેડામાં એક્સિડેન્ટમાં 2 યુવક અને એક યુવતી સહિત ત્રણ વિદ્યાર્થીઓનું કરુણ મોત નીપજવાની ઘટના સામે આવી છે. બ્રેમ્પટનમાં ટ્રક-કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વિદ્યાર્થી આમોદ અને બીજો વિદ્યાર્થી પંજાબ તથા વિદ્યાર્થિની અમદાવાદની હોય તેવી માહિતી સાંપડી રહી છે. ત્યારે આમોદ જંબુસરના MLAએ ઋષભનો મૃતદેહ વતનમાં લાવવા માગ કરી છે.

બ્રેમ્પ્ટનમાં બનેલી આ દુર્ઘટનામાં ટ્રક અને ઋષભકુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વાહનચાલકના કારના ડેશકેમમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી, જે વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

આ દુઃખદ સમાચાર મળતાં જ આમોદનગરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. કાલિકા માતા મંદિર વિસ્તારના રહેવાસી ઋષભકુમાર રોહિતભાઈ લીમ્બચિયા છેલ્લાં ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતા હતા.ખાસ કરીને લીમ્બચિયા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઉલ્લેખનીય છે કે ઋષભકુમાર ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા ગયો હતો અને ત્યાં તેનું આકસ્મિક અવસાન થતાં સમગ્ર પરિવાર અને સ્થાનિક સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

ડી કે સ્વામીએ જણાવ્યું હતું કે, આમોદના યુવાનનો કેનેડામાં અક્સ્માતમાં દુઃખદ અવસાન થયું છે. જે આમોદના અમારા કાર્યકર્તા રોહિત લીમ્બચિયાના પુત્ર ઋષભ હોય જેની જાણ થતાં જ તેમના પરિવારની મુલાકાત લઈને સાંત્વના પાઠવી છે. આ સાથે ભરૂચના કલેક્ટર સાથે વાતચીત કરીને તેના મૃતદેહને ભારત લાવવા માટે રજૂઆત કરતાં કલેક્ટરે દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયમાં વાતચીત કરી હોવાનું જાણવા મળ્યું છે.

આમોદ જંબુસર તાલુકાના ધારાસભ્ય ડી. કે. સ્વામીને ઘટનાની જાણ થતાં તાત્કાલિક આમોદ ખાતે વિદ્યાર્થીના ઘરે દોડી ગયા હતા. ધારાસભ્યએ તાત્કાલિક કલેક્ટરને ફોન કરી ઉપર સુધી રજૂઆતો કરી હતી અને વિદ્યાર્થીની ડેથ બોડી આમોદ લાવવા માટે પૂરતા પ્રયત્નો કર્યા હતા.

દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક એક સપ્તાહ પહેલાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, એમાં ભરૂચ જિલ્લાના ત્રાલસા કોઠી ગામના ત્રણ યુવાન ભડથું થયા હતા. કામ પર જઈ રહેલા આ યુવકનાં વાહનનો અકસ્માત થયો હતો, જેથી વાહન ભડકે બળ્યું હતું, જેમાં આ ત્રણેય યુવકનાં મોત થયાં હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ત્રણેય યુવાન રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા. 7 ફેબ્રુઆરીએ સવારે તેઓ પોતાના કામ માટે વાહનમાં જઈ રહ્યા હતા. એ દરમિયાન અચાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વાહનમાં આગ લાગી હતી, જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ભયાનક જ્વાળાઓમાં ત્રણેય યુવાન ગંભીર રીતે દાઝી ગયા હતા, જેના કારણે તેમનાં મૃત્યુ નીપજ્યાં હતાં. મૃતક યુવાનોની ઓળખ શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ તરીકે થઈ હતી.

Back to top button
error: Content is protected !!