BANASKANTHAGUJARATPALANPUR

જર્જરિત આંગણવાડી કેન્દ્ર: ગાદલવાડાના બાળકો ભયના ઓથાર હેઠળ ભણવા મજબૂર બન્યા

13 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

વિકાસની વાતો વચ્ચે પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર ૧ ની જર્જરિત હાલત નાના ભૂલકાઓના અભ્યાસ પર સંકટ તોળી રહી છે. અનેક રજૂઆતો છતાં નઘરોળ તંત્રની નિષ્ક્રિયતાને કારણે ૩૦ થી વધુ બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાદલવાડા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર ૧ એટલી હદે જર્જરિત થઈ ગઈ છે કે તે ગમે ત્યારે જમીનદોસ્ત થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. પરિણામે, નાના ભૂલકાઓને અન્ય સ્થળે ખસેડીને અભ્યાસ કરાવવો પડી રહ્યો છે. ગ્રામજનો અને સરપંચ દ્વારા તાલુકા મથકે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, ભ્રષ્ટ અધિકારીઓના પાપે બાળકો શિક્ષણની સુવિધાઓથી વંચિત બન્યા છે.આંગણવાડી કેન્દ્ર નવીન બનાવવા માટે દરખાસ્તો મોકલી આપવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્રની આ બેદરકારીને કારણે જો જર્જરિત આંગણવાડી કેન્દ્ર જમીનદોસ્ત થાય અને નિર્દોષ લોકોનો જીવ જાય, તો તેની જવાબદારી તંત્રની રહેશે.આ સ્થિતિમાં, તાલુકા વિકાસ અધિકારી પિયુષ સિસોદિયા સ્થળ વિઝિટ કરીને સત્વરે નવીન આંગણવાડી કેન્દ્રનું બાંધકામ શરૂ કરાવે તેવી ઉગ્ર માંગ ગ્રામજનો કરી રહ્યા છે. રાજ્ય સરકારના “ભણશે ગુજરાત, જાગશે ગુજરાત” ના સૂત્ર વચ્ચે ગાદલવાડા ગામના બાળકો આંગણવાડી કેન્દ્રની પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહી રહ્યા છે.હાલ, આંગણવાડી કેન્દ્રના બાળકોને ગાદલવાડા ગામના કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરાવવાની માગણી ગ્રામજનો કરી રહ્યા છે. જોકે, આ કોમ્યુનિટી હોલ હાલ મજૂરોને રહેવા માટે આપવામાં આવી રહ્યો છે, જેના કારણે આંગણવાડી કાર્યકરો અને બહેનોમાં નારાજગી જોવા મળી રહી છે.
ગાદલવાડા ગ્રામપંચાયતના સરપંચ અને તલાટીને સરકારી કોમ્યુનિટી હોલ માટે વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ જવાબ મળ્યો નથી. આ સ્થિતિમાં, શું સરપંચ અને તલાટી આ કોમ્યુનિટી હોલ ખાલી કરાવી બાળકોને ભણવા માટે આપશે? કે પછી ગામમાં જાહેર કામો માટે મજૂરોને જ રહેવા દેશે? શું તાલુકા વિકાસ અધિકારી આ મામલે તપાસ કરીને બાળકોને ભણવા માટે કોઈ સગવડ કરાવશે? આ પ્રશ્નો હાલ ગ્રામજનોના મનમાં ઉઠી રહ્યા છે. આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે.

Back to top button
error: Content is protected !!