
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા અંજનીવિલા સોસાયટીમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો,આંતરરાજ્ય લૂંટ ગેંગનો મુખ્ય આરોપી ઝડપાયો, ₹2.90 લાખનો મુદ્દામાલ કબ્જે
અરવલ્લી, મોડાસા: અરવલ્લી જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન એલ.સી.બી. અરવલ્લી ટીમે મહત્વની સફળતા મેળવી છે. બે માસ અગાઉ મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાકરીયા રોડ પર આવેલી અંજનીવિલા સોસાયટીમાં થયેલી ધાડ અને લૂંટના બનાવમાં સંડોવાયેલા મધ્યપ્રદેશના એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની પાસેથી સોના-ચાંદી સહિત કુલ ₹2,90,700 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ એન. જાડેજા તથા ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાની આગેવાનીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે મોડાસા બસ સ્ટેશન રોડ વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં ફરતા લાલુ ઇન્દ્રસિંહ મંડલોઈ (રહે. ધાર, મધ્યપ્રદેશ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન તેની પાસેથી એક સોનાની અને એક ચાંદીની ધાતુની રણી મળી આવી હતી. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે તે પોતાના અન્ય પાંચ સાગરીતો સાથે મળીને બે માસ પહેલા મોડાસા-ગોધરા હાઈવે પાસે આવેલી સોસાયટીમાં રાત્રિના સમયે ઘરમાં ઘુસી લોકોને બંધક બનાવી સોના-ચાંદીના દાગીના લૂંટી ગયા હતા. બાદમાં દાગીના વેચવામાં મુશ્કેલી પડતા તેને પીગાળી રણીઓ બનાવી વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ ધાડ, લૂંટ, ઘરફોડ ચોરી અને આર્મ્સ એક્ટના મળીને કુલ 24 ગુનાઓમાં સંડોવાયેલ છે અને મધ્યપ્રદેશ રાજ્યમાં પણ ત્રણ લૂંટના ગુનાઓમાં વોન્ટેડ છે.
પકડાયેલ આરોપી:
લાલુ સ/ઓ ઇન્દ્રસિંહ મંડલોઈ (ધાર, મધ્યપ્રદેશ)
ફરાર આરોપીઓ:
સોમલા બદનસિંહ બધેલ
ગુરુ ઉર્ફે ગજેન્દ્રસિંહ મંડલોઈ
સરદાર ઉર્ફે સરદન મહેડા
ઈશ્વર જોરાવર બામણિયા
નરૂ મહેડા
જપ્ત મુદ્દામાલ:
સોનાની રણી (અંદાજિત કિંમત ₹2,45,000)
ચાંદીની રણી (અંદાજિત કિંમત ₹25,000)
Vivo કંપનીનો મોબાઈલ ફોન (₹20,000)
રોકડ ₹700
કુલ મુદ્દામાલ કિંમત: ₹2,90,700
પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ માટે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. સાથે જ ફરાર આરોપીઓને ઝડપી પાડવા તલાશ શરૂ કરવામાં આવી છે.





