
દેડિયાપાડાના સેજપુર ગામે આધુનિક સેન્ટ્રલાઈઝ્ડ કિચન માટે જમીન ફાળવાઈ
તાહિર મેમણ- ડેડીયાપાડા – 23/06/2025 – નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ સેજપુર ગામે સર્વે નં. ૮૦ ની અંદરના ૧૨,૦૦૦ ચો.મી. વિસ્તારની જમીન આધુનિક સેન્ટ્રલાઈઝ્ડ કિચનના હેતુસર ફાળવવાની મંજૂરી આપી છે. આ મંજૂરી ગુજરાત જમીન મહેસૂલ નિયમો–૧૯૭૨ના વહીવટી હુકમ–૩ હેઠળ આપી છે અને તે પ્રમાણે જમીન તબદીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
દેડિયાપાડા તાલુકાના સેજપુર ગામે આધુનિક સેન્ટ્રલાઈઝ્ડ કિચન ફાળવવાની મંજૂરી આપી છે. જેનો લાભ નર્મદા જિલ્લાના સાગબારા અને દેડિયાપાડા તાલુકાના કુલ ૩૨૨ પ્રાથમિક શાળાઓના અંદાજિત ૩૩૭૭૧ વિધાર્થીઓ લેશે.
રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઈડ પ્રાથમિક શાળાઓમાં ‘પ્રધાનમંત્રી પોષણ યોજના’ અંતર્ગત વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત, તાજું અને પૌષ્ટિક બપોરના ભોજનની સુવિધા મળી રહેશે. સાગબારા અને દેડિયાપાડા તાલુકાની શાળાઓ માટે ભોજન પૂરું પાડતી આ સેન્ટ્રલ કિચનથી ખાસ કરીને આદિજાતિ અને પછાત વિસ્તારોના બાળકોના આરોગ્ય, પોષણ અને શૈક્ષણિક વિકાસમાં હકારાત્મક પરિવર્તન આવશે.
તારીખ ૧૯ મે, ૨૦૨૫ના રોજ અત્રેના જિલ્લામાંથી આ યોજના માટે દરખાસ્ત મોકલવામાં આવી હતી, જેને રાજ્ય સરકારે સ્વીકૃતિ આપી છે. આ નિર્ણયથી સાગબારા અને દેડિયાપાડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં બપોરના ભોજન વ્યવસ્થામાં ગુણવત્તા અને નિમિત્તતા વધશે, જે સમગ્ર ભવિષ્યની પેઢી માટે લાભદાયક સાબિત થશે.




