અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા – શામળાજી હાઇવે : મોતનો રોડ – જિલ્લા કોંગ્રેસનો અલ્ટિમેટમ , ટોલટેક્સ વસૂલાય નહીં અને સળંગ રિસરફેસિંગ થાય તેવી કોંગ્રેસની માગણી
મોડાસા – શામળાજી હાઇવેની હાલત અત્યંત ભંગાર બની ગઈ છે. ઊંડા ખાડા, ઉખડેલો ડામર અને ધૂળની ડમરીઓના કારણે વાહનચાલકોનું જીવન જોખમમાં મુકાયું છે. બાઈક દ્વારા મુસાફરી કરવી અશક્ય બની ગઈ છે.
કલેક્ટરશ્રીએ સાયકલ દ્વારા શામળાજી સુધી પ્રવાસ કર્યો હોવાથી વાસ્તવિક પરિસ્થિતિનો સ્વયં અનુભવ થઈ ગયો છે. છતાં તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું કે અગાઉ તા. ૨૬/૮/૨૦૨૫ ના રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે તાત્કાલિક તમામ ખાડા પુરવામાં આવે. પૂરું રીસરફેસિંગ ન થાય ત્યાં સુધી ભારે વાહન પરથી વસૂલાત થતો ટોલટેક્સ તાત્કાલિક બંધ કરવામાં આવે. છતાં અમારી ન્યાયિક માગણી ઓ સ્વીકારવામાં આવી નથી અને માત્ર નોટિસ આપી છે હવે આજે ફરીથી કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપ્યું છે કે જો આ માગણીઓ પર તાત્કાલિક પગલાં નહીં લેવાય તો જિલ્લા કોંગ્રેસ પ્રજાને સાથે લઈ જોરદાર “રસ્તા રોકો આંદોલન” કરશે. તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને તંત્ર ની રહેશે. આવેદન આપવા પ્રમુખ અરુણભાઈ પટેલ, જશુભાઈ પટેલ , નવલસિંહ, હિંમતસિંહ પરમાર, મંગલસિંહ પરમાર, ડો. મુકેશભાઈ ઉપાધ્યાય, રામસિંહ ચૌહાણ ,જયેશભાઈ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.