MORBI:દેશની દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે ગુજરાતથી કેરળ સુધી ૬,૫૦૦ કિમીની સાયકલ યાત્રા; મોરબી જિલ્લાના સરવડ ગામે પહોંચશે

MORBI:દેશની દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે ગુજરાતથી કેરળ સુધી ૬,૫૦૦ કિમીની સાયકલ યાત્રા; ૩૦ જાન્યુઆરી એ મોરબી જિલ્લાના સરવડ ગામે પહોંચશે
મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ CISF યુનિટ દ્વારા મોરબી ખાતે સાયકલ યાત્રાનું સ્વાગત અભિવાદન કરાશે; ૩૦ મીએ સાંજે વિશેષ કાર્યક્રમ યોજાશે
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા દેશની દરિયાઈ સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય એકતા મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે “CISF વંદે માતરમ્ કોસ્ટલ સાયક્લોથોન-2026” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ૨૮ જાન્યુઆરીથી શરૂ થયેલી આ સાયકલ યાત્રા ૨૨ ફેબ્રુઆરી સુધી એટલે કે ૨૫ દિવસ દરમિયાન ભારતની અંદાજે ૬,૫૦૦ કિલોમીટર લાંબી મેઈનલેન્ડ કોસ્ટલાઇન પર ભ્રમણ કરશે.
આ ઐતિહાસિક સાયક્લોથોનની પશ્ચિમ દરિયાકાંઠાની ટીમનું પ્રસ્થાન ગુજરાતના કચ્છ સ્થિત ઐતિહાસિક લખપત કિલ્લા થી કરવામાં આવ્યું છે, ૩૦ જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લામાં આ સાયકલ યાત્રાનું આગમન થતા જિલ્લા વહીવટી અને રાજકોટ CISF યુનિટ તંત્ર દ્વારા તેમનું સ્વાગત અભિવાદન કરવામાં આવશે. મોરબી જિલ્લામાં માળિયા તાલુકાના સરવડ ગામ ખાતે સાંજે ૦૬:૦૦ થી ૦૮:૧૫ દરમિયાન વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ દેશવ્યાપી અભિયાનના ભાગરૂપે CISF રાજકોટ યુનિટ ને મોરબી જિલ્લાના માળિયા થી જોડિયા સુધીના દરિયાકાંઠાના પટ્ટામાં સાયક્લોથોન પ્રવૃત્તિઓનું સંચાલન અને સંકલન કરવાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ યુનિટ દ્વારા સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને માછીમારો, યુવાનો અને સ્થાનિક સમુદાયો સાથે સંવાદ કરી દરિયાઈ સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ સાયક્લોથોન ‘વંદે માતરમ્’ ના ૧૫૦ વર્ષ નિમિત્તે દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે સમર્પિત કરવામાં આવી છે.








