
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં જામદર ગામનાં ગરીબ વાલીઓ રાજ્યનાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને પૂછી રહ્યા છે કે આવી રીતે ભણશે ડાંગ જિલ્લાનાં આદિવાસી બાળકો ? ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ જામદર પ્રાથમિક શાળામાં આજરોજ શિક્ષકો જ ગેરહાજર રહેતા માસુમ બાળકો ધની ધોરી વગરનાં થઈ વીલા મોઢે બેસી રહ્યા..પેટા:-ડાંગ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કરાવનાર મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની મહેનત પર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સાઠું વાળી દીધુ..સાપુતારા 05-07-2024 રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનું પ્રાથમિક શિક્ષણ દિવસેને દિવસે ખાડે જઈ રહ્યુ છે.જેમાં ચાલુ વર્ષે ડાંગ જિલ્લાની મોટા ભાગની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા ઓરડાઓનું ડેમોલિશન કરી નાખતા બાળકો ઓટલા પર બેસી ભણવા મજબૂર બન્યા છે.ત્યારે આવી પરિસ્થિતિમાં જવાબદાર કોણ ?શુ આવી રીતે ભણશે ડાંગ જિલ્લાનાં બાળકો ? જેના પર અનેક સવાલ ઉભા થવા પામ્યા છે.તેવીજ રીતે અમુક અંતરીયાળ વિસ્તારમાં આવેલ શાળાઓનાં શિક્ષકો શાળામાં ભણાવવા માટે જવાની જગ્યાએ ગુલ્લી જ મારતા હોય જેના પગલે ગરીબ આદિવાસીઓનું બાળક બાપડો બિચારૂ જ બની રહેવા પામ્યુ છે.થોડા દિવસ પૂર્વે રાજ્યનાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં બીલીઆંબા પ્રાથમિક શાળામાંથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો દબદબાભેર પ્રારંભ કર્યો હતો.આ કાર્યક્રમમાં તેઓએ જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર શિક્ષણની સુવિધાઓ બાબતે છેવાડેનાં ગામડાઓ સુધી પોહચી ગઈ છે.આદિવાસી બાળકો પાયાનું શિક્ષણ વ્યવસ્થિત મેળવે તેવો હકારાત્મક અભિગમ રાજય સરકાર અપનાવી રહ્યુ છે.પરંતુ અહી મુખ્યમંત્રીની મહેનત પર ડાંગ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શિક્ષકોએ સાઠું વાળી દીધુ હોય તેમ જોવા મળી રહ્યુ છે.જેનું ઉત્તમ ઉદાહરણ ડાંગ જિલ્લાના આહવા તાલુકાની જામદર પ્રાથમિક શાળામાં જોવા મળ્યુ છે.ડાંગ જિલ્લાની આહવા તાલુકાની જામદર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ની 38 જેટલી રજીસ્ટર સંખ્યા નોંધાયેલ છે.તથા આ શાળામાં બે કાયમી શિક્ષકોનું મહેકમ છે, પરંતુ આ શાળાનાં બન્ને શિક્ષકો ગરીબ બાળકોને ભણાવવાની જગ્યાએ માત્ર ને માત્ર ગુલ્લી જ મારતા બાળકોનાં ભવિષ્ય સામે ખતરો મંડરાયો છે.આજરોજ ડાંગ જિલ્લાની જામદર પ્રાથમિક શાળામાં કાયમી બન્ને શિક્ષકોમાંથી એક પણ હાજર ન રહેતા માસુમ બાળકો ધની ધોરી વગરનાં થઈ ગયા હતા.શાળામાં શિક્ષકો જ ન આવતા બાળકો વીલા મોઢે બેસી રહ્યા હતા.જેની જાણ ગ્રામજનોને થતા શાળામાં જઈ હોબાળો મચાવ્યો હતો.જે બાદ ગલકુંડ ક્લસ્ટરનાં સી. આર.સી.અજયભાઈ ગામીતનાઓને જાણ થતા તેઓ તુરંત જ શાળામાં દોડી ગયા હતા.અને વૈકલ્પિક શિક્ષકની વ્યવસ્થા કરી હતી.અહી ગ્રામજનોએ સી.આર.સીને લેખિતમાં રજુઆત કરી જણાવ્યુ હતુ શાળામાં વારંવાર શિક્ષકો ગેરહાજર રહે છે.આ એક જ દિવસની ઘટના નથી.હમેશા શિક્ષકો ગેરહાજર રહે છે.જેથી અમારા બાળકો કઈ રીતે ભણશે,જામદર પ્રાથમિક શાળાનાં નામનો સૂચક બોર્ડ પણ જોવા મળતો નથી.ડાંગ જિલ્લાની જામદર પ્રાથમિક શાળા ક્યાં આવેલ છે જે પણ ખબર પડતી નથી.શાળાનાં શિક્ષકોનાં ઘોર બેદરકારીનાં પગલે શાળાના નામનો સૂચક બોર્ડ પણ લગાવેલ જોવા મળતો નથી.જેમાં બોર્ડની સાથે સાથે શાળામાં શિક્ષકો પણ ન આવતા શાળા છે કે નહિ જે અંગેનાં પણ સવાલો ઉઠવા પામ્યા છે. ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી આ બાબતે જણાવ્યુ હતુ કે હું હમણા જ તપાસ કરાવુ છું.તેમજ બન્ને બેદરકાર શિક્ષકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે..




