વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
હવામાન વિભાગની આગાહીને લઈને રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં સતત ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.ડાંગ જિલ્લામાં સતત ચાર દિવસથી વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ છે.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા લોકમાતાઓમાં અંબિકા, ખાપરી,પૂર્ણા અને ગીરા નદીનાં વહેણ તેજ બન્યા છે.તેમજ કોતરડા,વહેળા અને ઝરણાઓ પણ છલકાયા છે.રવિવારે રાત્રીનાં અરસામાં ડાંગ જિલ્લાનાં આહવા પંથકમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે વઘઇ,સાપુતારા અને સુબિર પંથકમાં છૂટોછવાયો વરસાદ પડયો હતો. સોમવારે દિવસ દરમિયાન ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો.જેમાં ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારનાં ગામડાઓમાં છૂટોછવાયો વરસાદની હેલીઓ વચ્ચે સમયાંતરે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન વઘઇ પંથકમાં 13 મિમી,સુબિર પંથકમાં 14 મિમી,સાપુતારા પંથકમાં 15 મિમી,જ્યારે સૌથી વધુ આહવા પંથકમાં 50 મિમી અર્થાત 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..