MORBI:મોરબી માઠા પ્રસંગેથી પરત ફરતા પરિવારને કાળ ભેટ્યો; કાર પર કન્ટેનર પલટી જતાં દંપતીનું મોત

MORBI:મોરબી માઠા પ્રસંગેથી પરત ફરતા પરિવારને કાળ ભેટ્યો; કાર પર કન્ટેનર પલટી જતાં દંપતીનું મોત
જૂના ઘૂંટુ રોડ પર વળાંક પાસે કન્ટેનર કાર પર પડતા ‘બુકડો’ બોલી ગયો: સાળાના બેસણામાંથી પરત આવતા ટંકારાના દંપતીએ જીવ ગુમાવ્યા, બે ઈજાગ્રસ્ત
મોરબીના જૂના ઘૂંટુ રોડ પર આજે બપોરે એક અત્યંત કરૂણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હળવદ ખાતે સાળાના મૃત્યુના માઠા પ્રસંગે હાજરી આપી પરત ફરી રહેલા ટંકારાના દેવીપૂજક પરિવારની કાર પર કાળમુખું કન્ટેનર પલટી જતાં દંપતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત સર્જી કન્ટેનર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારાના દેવીપૂજક વાસમાં રહેતા મનસુખભાઈ મનજીભાઈ કુંઢીયા (ઉ.વ. 45) અને તેમના પત્ની મંજુબેન (ઉ.વ. 40) તેમના પરિવારના સભ્યો સાથે હળવદ ગયા હતા. મંજુબેનના ભાઈનું અવસાન થયું હોવાથી પરિવાર શોકમાં હતો અને ત્યાંથી પરત ટંકારા આવી રહ્યો હતો. બપોરે ૧૨ વાગ્યાના અરસામાં જૂના ઘૂંટુ રોડ પર ‘નવ નાલા’ તરીકે ઓળખાતા પુલિયા પાસે વળાંક લેતી વખતે એક પૂરપાટ ઝડપે આવતું કન્ટેનર અચાનક પલટી મારી ગયું હતું અને બાજુમાંથી પસાર થતી આ પરિવારની કાર પર ખાબક્યું હતું.
કારનો કચ્ચરઘાણ નીકળી ગયો: કન્ટેનરનું વજન એટલું વધારે હતું કે નીચે દબાયેલી કારનો લોખંડનો ગઠ્ઠો વળી ગયો હતો. આ અકસ્માતમાં મનસુખભાઈ અને મંજુબેનનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. જ્યારે કારમાં સવાર અન્ય બે સભ્યો નાથાભાઈ મનજીભાઈ કુંઢીયા (ઉ.વ. 60) અને જયાબેન નાથાભાઈ કુંઢીયા (ઉ.વ. 55) ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે.એક તરફ ભાઈના મોતના શોકમાં ડૂબેલા બહેન અને બનેવીના પણ માર્ગ અકસ્માતમાં મોત થતા કુંઢીયા પરિવાર પર આભ ફાટ્યું છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને જેસીબીની મદદથી કન્ટેનર હટાવી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર કન્ટેનર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.









