MORBI:મોરબીના ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

MORBI:મોરબીના ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
મોરબી: તાજેતરમાં મોરબી તાલુકાની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળા ખાતે ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો. આ પ્રસંગે ગ્રામ અગ્રણીઓ અને શિક્ષણપ્રેમીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા.
મહાનુભાવોની ઉપસ્થિતિ અને કાર્યક્રમની શરૂઆત
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સર્વધર્મ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. આ અવસરે ખાનપર ગામના સરપંચશ્રી દિલીપભાઈ લીંબડ, ઉપસરપંચશ્રી રમેશભાઈ ભીમાણી, SMC અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઈ અમૃતિયા, શિક્ષણ પ્રેમી શૈલેષભાઈ રૈયાણી તથા જાગૃત વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.શાળાના ધોરણ ૫ થી ૭ ના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર અભિનય ગીત અને નાટક રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. વિદાય લઈ રહેલા ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ શાળા સાથે જોડાયેલા પોતાના જૂના સંસ્મરણો વાગોળી ભાવુક પ્રતિભાવો આપ્યા હતા. સરપંચશ્રી, શૈલેષભાઈ રૈયાણી અને શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને ભાવિ શિક્ષણ અને જીવનમાં સફળતા માટે મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
શાળા તરફથી ભેટ: શાળા દ્વારા દરેક વિદ્યાર્થીને સ્મૃતિચિહ્ન રૂપે વિદાયપત્ર અને ડોક્યુમેન્ટ સાચવવા માટે ફોલ્ડર ફાઇલ અર્પણ કરવામાં આવી હતી. ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ પણ શાળા પ્રત્યે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરી શાળાને ભેટ અર્પણ કરી હતી.
ભોજન અને આભાર વિધિ કાર્યક્રમના અંતે ગામના સરપંચ અને ઉપસરપંચશ્રી તરફથી તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સ્વરૂચી ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સિનીયર શિક્ષકશ્રી રમણીકલાલ ડી. ચિકાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
શાળાના આચાર્યશ્રી ઈશ્વરલાલ કલાભાઈ સાવરિયાએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ શિક્ષકગણ – રમણીકલાલ ચિકાણી, રોહિતભાઈ ગોસાઈ, હીનાબેન દેવમુરારી, ભગવતીબેન રાજપરા, ડૉ. જલ્પાબેન ફુલતરિયા, મિનાક્ષીબેન દલસાણિયા, ભૂમિકાબેન સરડવા અને ભાવનાબેન વિરડાને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.











