
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – ન્યુ નોબલ પ્રાઇમરી સ્કૂલમાં નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પનું સફળ આયોજન

મેઘરજ તાલુકાની ન્યુ નોબલ પ્રાઇમરી સ્કૂલ ખાતે નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવાના હેતુસર યોજાયેલા આ કેમ્પમાં 250થી વધુ દર્દીઓએ આંખોની તપાસ કરાવી તબીબી માર્ગદર્શન મેળવ્યું હતું.કેમ્પ દરમિયાન તપાસ બાદ 20થી વધુ દર્દીઓમાં આંખના ઓપરેશનની જરૂરિયાત જણાઈ હતી. આવા દર્દીઓને જરૂરી માર્ગદર્શન આપીને તેમના નિઃશુલ્ક ઓપરેશન માટે જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ, મેઘરજ દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સાથે સંપૂર્ણ જવાબદારી સ્વીકારવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ન્યુ નોબલ પ્રાઇમરી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તથા અર્બુદા સેવા સમિતિ, અરવલ્લી જિલ્લા પ્રમુખ પટેલ મનીષકુમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કેમ્પનું સંચાલન શાળાના આચાર્ય શ્રેયા પટેલ તથા સમગ્ર શિક્ષકગણ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. નોંધણીથી લઈને તપાસ, માર્ગદર્શન અને વ્યવસ્થાપન સુધી દરેક કામગીરીમાં શિક્ષકવર્ગનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.આંખોની તપાસ માટે ડૉ. ભીખુભાઈ બામણીયા અને તેમની અનુભવી ટીમે દર્દીઓને તપાસી જરૂરી તબીબી સલાહ આપી હતી. શિસ્તબદ્ધ આયોજન અને ટીમ વર્કના કારણે કેમ્પ સફળ રહ્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્કૂલ સ્ટાફ, સ્વયંસેવકો તથા સ્થાનિક આગેવાનોનો નોંધપાત્ર સહયોગ મળ્યો હતો. ગ્રામજનોએ આ પ્રકારના આરોગ્યલક્ષી કેમ્પની પ્રશંસા કરી ભવિષ્યમાં પણ આવા સેવા કાર્યો સતત યોજાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.




