MORBI:મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ અને કલેક્ટરની ઉપસ્થિતિમાં બાળ કલ્યાણ સમિતિ અને બાળ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ

MORBI:મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ અને કલેક્ટરની ઉપસ્થિતિમાં બાળ કલ્યાણ સમિતિ અને બાળ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની પ્રેરક ઉપસ્થિતિમાં બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ હતી.
કલેક્ટરશ્રીએ બંને સમિતિ હેઠળ કરવામાં આવેલી કામગીરીનું મૂલ્યાંકન કરી બાળકો જે સ્થળોએ આશરે લઈ રહ્યા હોય તે સંસ્થાઓની આકસ્મિક મુલાકાત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. વધુમાં જિલ્લામાં કોઈ પણ વાલી કે અન્ય અસામાજીક પ્રવૃત્તિઓ કરતા જૂથ બાળકો પાસેથી કોઈ પણ જ્ગ્યાએ ભીખ ન મંગાવે તે બાબતની પૂરતી તકેદારી રાખવા તાકીદ કરી હતી.
આ બેઠક દરમિયાન સમિતિના સભ્ય દ્વારા કરવામાં આવેલી ગૃહ મુલાકાત, બાળ સંભાળ ગૃહોમાં આશ્રય લઈ રહેલા બાળકો, વિવિધ યોજનાઓ અન્વયે કરવામાં આવેલી કામગીરી અને લાભાર્થીઓની કરવામાં આવેલી ઘર તપાસ, બાળ સંભાળ ગૃહમાં કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ, જેને જાગૃતિના કાર્યક્રમો સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત ચાઈલ્ડ હેલ્પલાઇન અંતર્ગત કરવામાં આવેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી વૈશાલીબેન જોશી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી વિપુલ શેરશીયા તથા બંને સમિતિના સહ અધ્યક્ષ, સભ્ય સચિવ અને સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.










