વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં સરકારી રેફરલ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર ફરજિયાત હોવી જોઈએ તેવી માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા મામલતદાર મારફતે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને રાજ્ય આરોગ્ય મંત્રી ને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં સરકારી રેફરલ હોસ્પિટલ આવેલ છે.જે હોસ્પિટલમાં આજ દિન સુધી આટલા વર્ષોમાં ગાયનેક ડોકટરની નિમણૂક સુધ્ધા કરવામાં આવેલ નથી.જોકે અહીં ગાયનેક ડોક્ટરની પણ જરૂરિયાત પડતી હોય છે.સુબીર તાલુકામાં અંદાજે 105 જેટલા ગામોનો સમાવેશ થાય છે ત્યારે તાલુકાની રેફરલ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની ભરતી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.કારણ કે આ પ્રશ્ન સમગ્ર તાલુકાનો છે. તેમજ ઘણી વખત બહેનોએ સોનોગ્રાફી કરવા માટે 80 કિમી દૂર વાંસદા ખાતે જવુ પડતુ હોય છે.સામાન્ય રીતે સંવેદનશીલ સરકાર દ્વારા બહેનો માટે ઘણી ખરી યોજનાઓ તથા સુવિધાઓ કરવામાં આવતી હોય છે. જોકે અહીં ગાયનેક ની સુવિધા ન હોવાથી બહેનોએ હેરાન પરેશાન થવુ પડતુ હોય છે.ત્યારે સોનોગ્રાફીની સુવિધા પણ સરકારી હોસ્પિટલમાં જ કરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે.ત્યારે સુબીર તાલુકાની રેફરલ હોસ્પિટલમાં ગાયનેક ની નિમણૂક કરવામાં આવે તથા સોનોગ્રાફીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા સુબિર મામલતદાર મારફતે રાજ્યપાલ, મુખ્યમંત્રી તથા ગુજરાત રાજ્ય આરોગ્ય મંત્રીને આવેદનપત્ર પાઠવ્યુ હતુ..