ભરૂચમાં ગરમીનો પ્રકોપ:આગામી પાંચ દિવસ 42 ડિગ્રી સુધી તાપમાન, હવામાન વિભાગે આપી સાવચેતીની સલાહ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના નિષ્ણાતો હરીનંદન સોડવડિયા અને ધવલ કમાણીએ આગામી દિવસોમાં સાવચેતી રાખવા સૂચના આપી છે.
આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 39થી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. લઘુત્તમ તાપમાન 22થી 24 ડિગ્રી વચ્ચે રહેશે. હવામાં ભેજનું પ્રમાણ 15થી 65 ટકા રહેવાની સંભાવના છે.
નિષ્ણાતોએ નાગરિકોને કેટલીક મહત્વપૂર્ણ સલાહ આપી છે. લોકોએ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. ઓઆરએસ અને ઘરે બનાવેલા પીણાં જેવા કે છાસ, લીંબુ શરબત અને નારિયેળ પાણીનો ઉપયોગ કરવો જોઈએ.
બહાર નીકળતી વખતે હલકા રંગના કપડાં પહેરવા જોઈએ. માથાને સૂર્યથી બચાવવા માટે ટોપી, છત્રી કે કપડાનો ઉપયોગ કરવો જોઈએ. સનગ્લાસ અને સનસ્ક્રીનનો ઉપયોગ પણ જરૂરી છે.
ગરમીના કારણે શહેરના માર્ગો બપોરના સમયે સૂમસામ જોવા મળે છે. પશુપાલકોને પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. પશુઓના રહેઠાણમાં પૂરતી હવા-ઉજાસની વ્યવસ્થા હોવી જોઈએ. દૂધાળા પશુઓને દિવસમાં બે વાર નવડાવવાથી તેમને ગરમીથી રાહત મળશે.