ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 પરીક્ષાનું પરિણામ આજે એટલે કે, 5મે સોમવારે જાહેર કરાયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 10:30 કલાકે આ પરિણામ મુકાયું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે છે.
પરિણામની કાગડોળે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતા જ ખુશખુશાલ થયા હતા. ધાર્યા કરતાં વધારે સારું પરિણામ આવતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ગરબે ઘૂમ્યાં હતાં ને એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી.ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે.
– વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે, જ્યારે 59.15 ટકાવારી સાથે દાહોદ જિલ્લો સૌથી છેલ્લે – ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગોંડલ કેન્દ્રનું સૌથી વધુ 96.60 ટકા પરિણામ





