ભરૂચમાં અઢી વર્ષ બાદ કોરોનાની રી-એન્ટ્રી, એક મહિલા પોઝિટિવ

સમીર પટેલ, ભરૂચ
બે ખાનગી હોસ્પિટલમાં 48 વર્ષીય મહિલા એડમિટ બાદ સિવિલમાં ખસેડાય, વેજલપુરની મહિલાને ભરૂચ સિવિલના વિશેષ કોવિડ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાય, RTPCR ટેસ્ટના રિપોર્ટની સરકારી તંત્ર જોતું રાહ
અઢી વર્ષ બાદ ભરૂચમાં કોરોનાએ ફરી દસ્તક દીધી છે. વેજલપુર વિસ્તારની 48 વર્ષીય મહિલા કોવિડ પોઝિટિવ જણાતા ભરૂચ સિવિલ હોસ્પિટલના સ્પેશ્યલ કોરોનાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ છે.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્રમાં કોરોનાના પોઝિટિવ કેસની આલબેલને લઈ દોડધામ મચી ગઇ છે. મહિલાને સવારે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં બે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા બાદ રેપીડ એન્ટીજન RAT ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી છે.
કોરોનાની દસ્તક વચ્ચે સિવિલ હોસ્પિટલમાં પહેલાથી જ 200 બેડનો કોરોનાં આઇસોલેશન સ્પેશ્યલ વોર્ડ તબીબની તમામ ટીમ સાથે તહેનાત કરી દેવાયો છે. સિવિલમાં 4 ઓક્સિજન પ્લાન્ટ સાથે ઓક્સિજન સિલિન્ડર, બાયપેપ અને વેન્ટિલેટર પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તબીબી સ્ટાફ સાથે મેડિકલ અને પેરામેડિકલની ટીમ પણ તમામ દવાઓ અને જરૂરી સાવચેતીના પગલાં સાથે સજ્જ છે. હાલ તો મહિલાના RTPCR ટેસ્ટની સરકારી તંત્ર રાહ જોઈ રહ્યું છે.




