MORBI:મોરબીમાં સરકારી બાંધકામોના સ્ટ્રકચરલ & પબ્લિક સેફટી બાબતે સમીક્ષા બેઠક યોજાઈ

MORBI:મોરબીમાં સરકારી બાંધકામોના સ્ટ્રકચરલ & પબ્લિક સેફટી બાબતે સમીક્ષા બેઠક યોજાઈ
લોકોની સુરક્ષા અને સલામતી બાબતે પૂરતી તકેદારી રાખવા સંબંધિત વિભાગોને સૂચનાઓ અપાઈ
ક્ષતિગ્રસ્ત સરકારી ઈમારતો,આવાસો, દવાખાના, આંગણવાડી, શાળાઓ સહિત અંગે અહેવાલ રજૂ કરવા કલેક્ટરશ્રીની અધિકારીઓને સુચના
મોરબી કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લામાં સરકારી બાંધકામોના સ્ટ્રકચરલ & પબ્લિક સેફટી અન્વયે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો જેવા કે, માર્ગ અને મકાન, જળસંપતિ, પાણી પુરવઠા, નર્મદા, શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ, શહેરી વિકાસ, પંચાયત, ગ્રામ વિકાસ વગેરે હસ્તકની ઇન્ફ્રાસ્ટ્રકચરલ સુવિધાઓ જેવી કે રોડ, ડેમ, બ્રિજ, કેનાલ, બિલ્ડીંગ, હોસ્ટેલ, પંચાયત ઘર, સરકારી આવાસો, સરકારી હોસ્પિટલ, પીએસસી, સીએચસી, શાળાઓ, આંગણવાડી સહિત અન્ય તમામ સરકારી ઇમારતોની સ્ટ્રકચરલ સેફટી માટે હાલના સરકારી ધારા ધોરણો મુજબ ઇન્સ્પેક્શન કરવા સૂચના આપવામાં આવી હતી.
જિલ્લામાં પીવાના પાણીની તથા સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, પીએમ પોષણ યોજના, શ્રમિક અન્નપૂર્ણા, હોટ કુક્ડ મીલ તેમજ વિવિધ હોસ્ટેલ્સમાં નાગરિકોને આપવામાં આવતા ભોજનની યોગ્ય ગુણવત્તા જળવાય તે બાબતે પણ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. વધુમાં સરકારી બાંધકામ ક્ષતિગ્રસ્ત કે જર્જરિત હોય તો તેનો તાકિદે કરવા જણાવ્યું હતું, જેથી સંભવિત દુર્ઘટના ટાળી શકાય.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી કુલદીપસિંહ વાળા તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.








