MORBI:મોરબી ગૌરક્ષક ટીમ દ્વારા પશુ ભરેલી ટ્રક ઝડપી પાડી; 15 જીવ બચાવી પાંજરાપોળ મોકલાયા

MORBI:મોરબી ગૌરક્ષક ટીમ દ્વારા પશુ ભરેલી ટ્રક ઝડપી પાડી; 15 જીવ બચાવી પાંજરાપોળ મોકલાયા
કચ્છ તરફથી કતલ કરવાના ઇરાદે લવાતા 15 નાના જીવો (પાડા) ને મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ગૌરક્ષક ટીમો અને પોલીસ પ્રશાસને સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બચાવી લીધા છે. આ મામલે પોલીસે બે ગાડીઓ અને ત્રણ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ (દિલ્હી-ગુજરાત) અને રાજકોટ ગૌરક્ષક ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, કચ્છ બાજુથી એક બોલેરો પીકપ ગાડી (નંબર GJ.12.CT.8399) માં જીવો ભરીને માળીયા થઈ વાંકાનેર કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. આ ગાડીની સાથે અન્ય એક ગાડી (GJ.03.Z.7805) પાઈલોટિંગ કરી રહી હતી.
બાતમી મળતા જ મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ યુવા વાહિનીના ગૌરક્ષકોએ મોરબી-માળીયા હાઈવે પર લક્ષ્મીનગર ગામ પાસે વોચ ગોઠવી હતી.
શંકાસ્પદ ગાડીઓ આવતા જ પોલીસના સહયોગથી તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. ગાડીની અંદર 15 જેટલા નાના પાડાઓને અત્યંત ક્રૂરતાપૂર્વક, હલનચલન ન કરી શકે તે રીતે ટૂંકા દોરડે બાંધેલા મળી આવ્યા હતા. ગાડીમાં ઘાસ કે પાણીની કોઈ વ્યવસ્થા નહોતી કે પશુ વહન માટેની કોઈ પાસ-પરમિટ પણ નહોતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ જીવોને વાંકાનેર સીટીના ખાટકીવાસમાં કતલ માટે લઈ જવાતા હતા.મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફના સહયોગથી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પશુ સંરક્ષણ ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. બચાવવામાં આવેલા તમામ 15 જીવોને તાત્કાલિક મોરબી પાંજરાપોળ ખાતે સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે.આ સફળ કામગીરીમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ તેમજ રાજકોટ, લીંબડી અને ચોટીલાની ગૌરક્ષક ટીમો જોડાઈ હતી. પોલીસ પ્રશાસનના સકારાત્મક અભિગમને ગૌરક્ષકોએ બિરદાવ્યો હતો.








