MORBI:મોરબી બેલા ગામની સીમમાં યુવકનું અપહરણ કરી બેરહેમીથી માર માર્યો, ૩૭ હજારની લૂંટ

MORBI:મોરબી બેલા ગામની સીમમાં યુવકનું અપહરણ કરી બેરહેમીથી માર માર્યો, ૩૭ હજારની લૂંટ
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં ચાર અજાણ્યા શખ્સોએ એક યુવકને રસ્તામાં આંતરી, તેનું અપહરણ કરી ધોકા અને પટ્ટા વડે બેરહેમીથી માર મારી રૂ. ૩૭ હજારની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા પ્રકાશભાઈ ગોવિંદભાઈ શેરસીયા (ઉ.વ. ૩૫) એ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ પ્રકાશભાઈ પોતાના કામ અર્થે રંગપર ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન મજૂરો માટે દેશી દારૂ લેવા માટે તેઓ રસ્તામાં ઉભા રહ્યા હતા.
કેવી રીતે બની ઘટના: એક્ટિવા પર આવેલા બે શખ્સો અને સીએનજી રિક્ષામાં આવેલા બે શખ્સોએ ત્યાં આવી “અહીંયા કેમ ઉભો છે?” તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો.અપહરણ અને મારપીટ: આ ચારેય શખ્સોએ પ્રકાશભાઈને બળજબરીથી રિક્ષામાં બેસાડી અપહરણ કર્યું હતું અને રેંજ સિરામિક કારખાના પાછળ લઈ ગયા હતા. ત્યાં તેમને લાકડાના ધોકા અને કમરના પટ્ટા વડે નિર્મમ રીતે માર મારવામાં આવ્યો હતો.આરોપીઓએ યુવક પાસેથી રૂ. ૩૫,૦૦૦ની રોકડ અને રૂ. ૨,૦૦૦ની કિંમતનો સેમસંગ મોબાઈલ મળી કુલ રૂ. ૩૭,૦૦૦ની મત્તાની લૂંટ ચલાવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ચારેય અજાણ્યા શખ્સો વિરુદ્ધ અપહરણ, લૂંટ અને મારપીટનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.









