MORBI:મોરબીના લીલાપર ઘુનડા રોડ પર ત્રણ શખ્સોએ યુવક પર છરી વડે હુમલો કર્યો

MORBI:મોરબીના લીલાપર ઘુનડા રોડ પર ત્રણ શખ્સોએ યુવક પર છરી વડે હુમલો કર્યો
મોરબીના લિલાપર-ઘુનડા રોડ પર ગુનાખોરીની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. લિલાપર ગામની સીમમાં ત્રણ અજાણ્યા શખ્સોએ એક યુવકને આંતરી, જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, લિલાપર ગામના નવા પ્લોટ વિસ્તારમાં રહેતા અનિલભાઈ ધનજીભાઈ રાઠોડ (ઉ.વ. ૩૦) પોતાના મોટર સાયકલ પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ગાયત્રી સ્ટોન ભઈડીયાથી આગળ વાડીના રોડ પર એક નંબર વગરના કાળા કલરના સ્પ્લેન્ડર બાઈક પર ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા. આ શખ્સોએ અનિલભાઈના બાઈક આગળ પોતાનું બાઈક નાખી તેમને ઊભા રાખ્યા હતા.
કોઈપણ કારણ વગર શરૂ થયેલી આ બબાલમાં, બાઈકની વચ્ચે બેઠેલા લાલ કલરના શર્ટ વાળા શખ્સે અચાનક છરી કાઢી અનિલભાઈ પર હુમલો કર્યો હતો. હુમલાખોરે તેમને મારી નાખવાના ઈરાદે પેટ અને છાતીના ભાગે છરીના ઘા ઝીંક્યા હતા.વાંસામાં તથા જમણા ગાલ અને નાક પાસે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.જ્યારે અન્ય બે શખ્સોએ યુવકને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. હુમલો કર્યા બાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.ભોગ બનનાર અનિલભાઈએ આ મામલે ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો છે. હુમલાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પોલીસે આરોપીઓના વર્ણન અને બાઈકના આધારે શોધખોળ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










