MORBI:મોરબી ચેક રિટર્ન કેસમાં આરોપીની એક વર્ષની કેદ બમણી રકમનો દંડ વ્યાજ સહિત ચૂકવવા હુકમ

MORBI:મોરબી ચેક રિટર્ન કેસમાં આરોપીની એક વર્ષની કેદ બમણી રકમનો દંડ વ્યાજ સહિત ચૂકવવા હુકમ
મોરબીની અદાલતે ચેક રિટર્નના એક કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે અને ચેકની રકમ કરતાં બમણી રકમ દંડ પેટે વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આ કેસની વિગતો મુજબ, ફરિયાદી સાગર નવઘણભાઈ સાવધાર અને આરોપી હાર્દિક ભરતભાઈ મકવાણા, બંને મોરબીના વતની છે. આરોપી હાર્દિક મકવાણાએ ફરિયાદી સાગરભાઈ પાસેથી રૂ. 3,00,000 (ત્રણ લાખ) હાથ ઉછીના લીધા હતા. ફરિયાદીએ આ રકમ પરત માંગતા આરોપીએ તેમને રૂ. 3 લાખનો ચેક આપ્યો હતો, પરંતુ ફરિયાદીએ આ ચેક પોતાની બેંકમાં જમા કરાવતાં તે ‘ફંડ ઇન્ફિશિયન્ટ’ કારણોસર પરત થયો હતો.
ચેક રિટર્ન થતાં ફરિયાદીએ તેમના વકીલ શહેનાશબેન ડી. સુમરા મારફતે આરોપીને કાયદેસરની નોટિસ મોકલી હતી, તેમ છતાં આરોપીએ રકમ ચૂકવી ન હતી. આથી, ફરિયાદી સાગરભાઈએ મોરબી કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન, ફરિયાદીના એડવોકેટ શહેનાશબેન ડી. સુમરા દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં રાખીને, મોરબીના ચોથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સી. વાય. જાડેજા સાહેબે ચુકાદો આપ્યો હતો. કોર્ટે આરોપી હાર્દિક ભરતભાઈ મકવાણાને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. આ સાથે જ, ચેકની રકમ (રૂ. 3 લાખ)ની ડબલ રકમ એટલે કે રૂ. 6 લાખ ફરિયાદીને ફરિયાદની તારીખથી વાર્ષિક 9% વ્યાજ સહિત ચૂકવવાનો હુકમ કર્યો હતો. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે જો આરોપી વળતરની આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે, તો તેણે વધુ 90 દિવસની સાદી કેદની સજા ભોગવવી પડશે.







