MORBI:મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા શહેરના કચરાવાળા સ્થળોને લીલુછમ પોકેટ ગાર્ડનમાં ફેરવવાની પહેલ

MORBI:મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા શહેરના કચરાવાળા સ્થળોને લીલુછમ પોકેટ ગાર્ડનમાં ફેરવવાની પહેલ
મોરબી શહેરના સૌંદર્યમાં વધારો સાથે નાગરિકોમાં સ્વચ્છતાનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરવામાં મહત્વનો ફાળો આપશે.મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા શહેરને લીલુંછમ અને સુંદર બનાવવા સતત પ્રયત્નશીલ રહી છે. હવે શાખા દ્વારા એક નવી પહેલ તરીકે એવા વિસ્તારો, જ્યાં લોકો કચરો ફેંકતા હોય અથવા ગંદકી કરતા હોય, તેવા સ્થળોને સ્વચ્છ બનાવી ત્યાં “પોકેટ ગાર્ડન” એટલે કે નાનકડા ગાર્ડન તરીકે વિકસાવવાની યોજના શરૂ કરવામાં આવી છે. આ પોકેટ ગાર્ડન શહેરના માર્ગો અને જાહેર વિસ્તારોના બ્યુટીફિકેશનમાં મહત્વપૂર્ણ ફાળો આપશે. શરૂઆતમાં એલ.ઈ. કોલેજ રોડ, સર્કિટ હાઉસ રોડ, સૂરજબાગ પાસેના જીવીપી પોઇન્ટ સહિતના વિસ્તારોમાં આ પ્રકારના નાના ગાર્ડન વિકસાવવામાં આવશે. આવા ગાર્ડન માત્ર શહેરને સુંદર બનાવશે જ નહીં પરંતુ નાગરિકોમાં સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ પણ વધારશે. વધુમાં, ગાર્ડન શાખા દ્વારા લીલાપર ખાતે આવેલા મોહન બાગનું લે-આઉટ તૈયાર કરવામાં આવ્યું છે, અને નજીકના ભવિષ્યમાં ત્યાં એક સંપૂર્ણ ગાર્ડન વિકસાવવામાં આવશે. આ ગાર્ડન લીલાપરની જનતા માટે ફરવાલાયક અને આરામદાયક સ્થળ તરીકે ઉપયોગી સાબિત થશે.










