સરકારી સ્કૂલોમાં કમ્પ્યુટર વિષયના શિક્ષકોની ભરતી માટે ગાંધીનગર ખાતે આંદોલન

શિક્ષકોનું સરકાર સામેનું આંદોલન થોભવાનું નામ નથી લઈ રહ્યું, ત્યારે હવે સરકારી સ્કૂલોમાં કમ્પ્યુટર વિષયના શિક્ષકોની ભરતી માટે થઈને કમ્પ્યુટર વિષયના શિક્ષકોએ ગાંધીનગર ખાતે આંદોલન કરતાં તેમની અટકાયત કરવામાં આવી છે. ગુજરાત સરકાર ધ્વારા TAT અને TETના ઉમેદવારો ધ્વારા ગત મહિને કરવામાં આવેલા આંદોલનના કારણે 24,700 જેટલા શિક્ષકોની સરકારી શાળાઓમાં ભરતી કરવાની જાહેરાત કરી હતી પરંતુ તેમાં કમ્પ્યુટર જેવા વિષયના શિક્ષકોની ભરતી વિશે જાહેરાત કરવામાં આવી ન હતી.
આજે ગાંધીનગર સચિવાલય ખાતે કમ્પ્યુટર વિષયના શિક્ષકો મોટી સંખ્યામાં ગુજરાતના અલગ અલગ સ્થળોથી આવ્યા હતા. આ શિક્ષકો રાજ્યના કક્ષાના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને રજૂઆત કરવા ગયા હતા. સ્વર્ણિમ સંકૂલ-2માં કુબેર ડિંડોરની ઓફિસમાં રજૂઆત કર્યા બાદ વિરોધ પ્રદર્શન કર્યા હતા. કમ્પ્યુટર વિષયના શિક્ષકોનું પ્રતિનિધિ મંડળે વિધાનસભા કેમ્પસ બહાર આવેલ જૂના સચિવાલય ગેટ પાસે જ સૂત્રોચાર કર્યા હતા. આ શિક્ષકો ધ ભરતી મુદ્દે 800 શિક્ષકોની ભરતીની માંગ કરતાં બેનરો અને પોસ્ટરો સાથે મીડિયા અને સરકાર સમક્ષ માંગ કરી હતી.
શિક્ષકો ધ્વારા જાહેર જગ્યાએ રજૂઆત અને સૂત્રોચારના પગલે ગાંધીનગર પોલીસ ધ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ શિક્ષકોને મંત્રી કુબેર ડિંડોર ધ્વારા હકારાત્મક જવાબ આપવામાં આવ્યો હતો છતાં શિક્ષકોએ આ જવાબને જાહેર કરવાની માંગ લઈને શિક્ષકો એ રોડ ઉપર આવીને સૂત્રોચાર કર્યા હતા. ગુજરાત સરકાર ધ્વારા આગામી ઓગસ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન વિવિધ તબક્કે સંભવત અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી કારવાની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં અમુક વિષયના શિક્ષકોની જાહેરાત ન થતાં અલગ અલગ વિષયના શિક્ષક સંગઠનો અને સંઘો સરકાર સામે લેખિત અને રૂબરૂ રજૂઆત કરવા આવી રહ્યા છે.




