બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લાના શિક્ષણક્ષેત્રના ઇતિહાસમાં આજે વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ૨૯ જુલાઈ ૨૦૨૫ ના રોજ દિલ્હી ખાતે યોજાયેલ ‘અખિલ ભારતીય શિક્ષા સંગમ’ (ABSS) કાર્યક્રમમાં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ ના પાંચ પરિવર્તનશીલ વર્ષોની ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશભરની શ્રેષ્ઠ PM SHRI શાળાઓની તક્તીનું વર્ચ્યુઅલી અનાવરણ કર્યું, જેમાં ગુજરાત સહિત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની PM SHRI શ્રી કૃષ્ણ આશ્રમશાળા નો સમાવેશ થતા જિલ્લાનું ગૌરવ વધ્યું છે. શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સંચાલિત PM SHRI (Prime Minister Schools for Rising India) યોજનાનો ઉદ્દેશ્ય ભારતના શિક્ષણ પ્રણાલીને પરિવર્તિત કરવાનો છે.
ગુજરાત રાજ્યમાં કુલ ૪૪૮ જેટલી PM SHRI શાળાઓ કાર્યરત છે. ગુજરાત રાજયની ૩૩ શાળોઓની પસંદગી થઈ હતી. જે પૈકી ભરૂચ જિલ્લાની ૧૩ શાળાઓમાં PM SHRI શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાની પસંદગી થઈ હતી. આ સિદ્ધિ PM SHRI શ્રી કૃષ્ણ આશ્રમશાળા દ્વારા NEP ૨૦૨૦ ના ઉદ્દેશ્યોને આત્મસાત કરીને કરાયેલા ઉત્કૃષ્ટ કાર્યોનું પરિણામ છે.
આ યોજના હેઠળ, શાળાઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ ના ઉદ્દેશ્યો અનુસાર ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સર્વાંગી વિકાસ માટે સક્ષમ બનાવવામાં આવે છે. શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા નામાંકિત કરાયેલી દેશની બેસ્ટ PM SHRI શાળાઓમાં ભરૂચ જિલ્લાની PM SHRI શ્રી કૃષ્ણ આશ્રમશાળાનો સમાવેશ થયો છે. શાળા માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતી સીમિત ન રહેતા, બાળકોને જીવનની તમામ સમસ્યાઓ સામે તૈયાર કરવા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે કૌશલ્યવર્ધક તાલીમ આપવાના NEP ના લક્ષ્યને સાર્થક કરી રહી છે.
શ્રી કૃષ્ણ આશ્રમશાળામાં NEP ૨૦૨૦ ના ઉદ્દેશ્યોને આધારે અભ્યાસક્રમ ઉપરાંત વોકેશનલ ટ્રેનિંગ જેવી કે ફૂડ મેકિંગ સ્કિલ, એગ્રીકલ્ચર, રમત-ગમત, સાંસ્કૃતિક કલા, ગણિત વિજ્ઞાન મંડળ વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ નિયમિતપણે ચલાવવામાં આવી રહી છે. આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર હસ્તકની આ PM SHRI શ્રી કૃષ્ણ આશ્રમશાળા, થવા જી.ભરૂચ, તેના આ પ્રયાસોને કારણે અગ્રેસર રહી, જેની નોંધ શિક્ષણ મંત્રાલય, નવી દિલ્હી અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવી હતી.
આ ગૌરવપૂર્ણ ક્ષણે શાળાના વિકાસ માટે ગ્રામ નિર્માણ કેળવણી મંડળના પ્રમુખ યોગેશ જોશી, ટ્રસ્ટી રાજુભાઈ માંગરોલા અને શાળાના આચાર્ય રંજનબેન વસાવા દ્વારા લેવામાં આવેલી સવિશેષ કાળજી અને સતત પ્રયત્નો પ્રશંસનીય છે.
નવી દિલ્હીથી પ્રસારિત થયેલા આ ઘોષણા કાર્યક્રમને નિહાળવા સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી માનસિંગ માંગરોલા, ટ્રસ્ટી નાનાલાલ, BRC, મહેશભાઈ પરીખ (જિલ્લા QEM કો.ઓર્ડીનેટર), ચૈતાલીબેન (જિલ્લા IED/AR&VE), તથા પ્રવિણાબેન (જિલ્લા ગર્લ્સ એજ્યુકેશન કો-ઓર્ડીનેટર), તેમજ PM SHRI શાળાના શિક્ષકો, બાળકો સહિત વાલીઓ પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા.
અંતે, PM SHRI શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાના પ્રિન્સિપાલ રંજનબેન વસાવાએ આ ગર્વની લાગણી સાથે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સિદ્ધિ ભરૂચ જિલ્લા માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે અને શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા અને નવીનતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરે છે.
અત્રે ઉલ્લેનિય છે કે, અખિલ ભારતીય શિક્ષા સંગમ એ ભારતીય શિક્ષણ પ્રણાલીને વધુ સુદૃઢ, સમાવેશી અને ભવિષ્યલક્ષી બનાવવા માટેનું એક વ્યૂહાત્મક સંમેલન હતું. આ સંગમ NEP 2020 ના અમલીકરણના પાંચ પરિવર્તનશીલ વર્ષોની પ્રગતિની સમીક્ષા અને ભવિષ્યની દિશા પર ચર્ચા-વિચારણા કરવા માટે યોજાયો હતો, જે ભારતના શૈક્ષણિક ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. તેમ PM SHRI શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવા દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવા
માં આવ્યું હતું.