તા.૪/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
પાંચ દિવસમાં નવ ગામ અને ઉપલેટા શહેરના નવ વોર્ડ વિસ્તારમાં ૭૧,૭૮૮ લોકોના આરોગ્યની તપાસ કરાઇ
Rajkot, Upleta: ઉપલેટામાં ગત ૨૨ જૂન ૨૦૨૪ થી તણસવા કારખાના વિસ્તારમાં કોલેરાના કેસો સામે આવ્યા હતા. જેના પગલે કલેક્ટરશ્રી પ્રભવ જોશી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગ્વહાણેના માર્ગદર્શન અન્વયે ઉપલેટા તાલુકા હેલ્થ ઓફિસ તથા જામકંડોરણા અને ધોરાજી તાલુકાના આરોગ્ય કર્મચારીઓની ૪૫ જેટલી ટીમો બનાવીને તણસવાના કારખાના વિસ્તારની તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની તપાસ હાથ ધરાાઇ હતી. આ ટીમો દ્વારા પાંચ દિવસમાં કુલ ૭૧,૭૮૮ જેટલા લોકોનું હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ છે.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઉપલેટાના તણસવા, વરજાંગજાળીયા, નીલાખા, મેરવદર, મેખાટીંબી, નાગવદર, ગણોદ તથા ઇસરા અને મૂરખડાના કારખાના વિસ્તારની સાથે સાથે ઉપલેટા શહેરના એકથી નવ વોર્ડ વિસ્તારની અંદર કોલેરા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં હાલમાં કોલેરાનો એક પણ શંકાસ્પદ કેસ જોવા મળ્યો નથી.
તણસવા કારખાના વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોનમાં ૩૬૬ જેટલા પરપ્રાંતીય મજૂરોનું દરરોજ સ્કેનિંગ કરવામાં આવે છે તથા સ્થળ પર જ સારવાર આપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ એમ્બ્યુલન્સ મારફત રેફરલ એક્ટિવિટી પણ કરવામાં આવી રહી છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે પત્રિકા વિતરણ, માઈક દ્વારા પ્રચાર-પ્રસાર, જૂથ ચર્ચાઓ વગેરે દ્વારા આરોગ્ય શિક્ષણ આપવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમ ઉપલેટા તાલુકા હેલ્થ ઓફિસર ડો. નયન લાડાણીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.