MORBI:મોરબીના નવા ફડસર ગામે ઉકરડો હટાવવા બાબતે વૃદ્ધ પર બે શખ્સોએ હુમલો કર્યો

MORBI:મોરબીના નવા ફડસર ગામે ઉકરડો હટાવવા બાબતે વૃદ્ધ પર બે શખ્સોએ હુમલો કર્યો
મોરબી: પાડોશી સાથે ઉકરડા જેવી નજીવી બાબતે વિવાદ કેટલો વકરી શકે છે તેનો કિસ્સો મોરબીના નવા ફડસર ગામે સામે આવ્યો છે. પોતાની જગ્યામાં ઉકરડો હટાવવાનું કહેતા બે ભાઈઓએ ઉશ્કેરાઈને એક ૭૫ વર્ષીય વૃદ્ધ પર કુહાડી અને ધોકા વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યા હતા. આ મામલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નવા ફડસર ગામે રહેતા રાજાભાઈ રવાભાઈ કુંભારવાડિયા (ઉ.વ. ૭૫) એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તારીખ ૨૧ના રોજ સવારના આઠેક વાગ્યે તેઓ તેમના મોટાભાઈ સાથે ઘરના ફળિયામાં હાજર હતા. આ સમયે તેમના પાડોશમાં રહેતા રામીયાભાઈ દેવાભાઈ કુંભારવાડિયા અને લખમણ દેવાભાઈ કુંભારવાડિયા કુહાડી સાથે ત્યાં ધસી આવ્યા હતા.ફરિયાદીના જણાવ્યા મુજબ, આરોપીઓએ તેમની જગ્યામાં ઉકરડો કર્યો હોય, જે બાબતે રાજાભાઈ અવારનવાર હટાવવાનું કહેતા હતા. આ બાબતનો ખાર રાખીને આરોપીઓએ કહ્યું હતું કે, “તું દર વખતે ઉકરડો હટાવી લેવાનું કેમ કહ્યા કરે છે?” જ્યારે રાજાભાઈએ વળતો જવાબ આપ્યો કે તમે મારી જગ્યામાં ઉકરડો કર્યો છે એટલે હટાવવો પડશે, ત્યારે રામીયા નામના શખ્સે ઉશ્કેરાઈને કુહાડીનો ઘા રાજાભાઈના માથામાં ઝીકી દીધો હતો. જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું. આ ઉપરાંત અન્ય આરોપીએ લાકડાના ધોકા વડે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસ કાર્યવાહી વૃદ્ધની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે:આરોપી, રામીયાભાઈ દેવાભાઈ કુંભારવાડિયા
અને લખમણ દેવાભાઈ કુંભારવાડિયા બંને વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.










