GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER :વાંકાનેર ખાતે ત્રિદિવસીય ‘કામા અશ્વ શો’નો શુભારંભ કરાવતા પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી

 

WAKANER :વાંકાનેર ખાતે ત્રિદિવસીય ‘કામા અશ્વ શો’નો શુભારંભ કરાવતા પશુપાલન મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી; શિક્ષણ રાજ્યમંત્રીશ્રી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ

 

 

પશુપાલન મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી સરકાર અશ્વના સંવર્ધન અને જતન માટે નવું બ્રીડિંગ સેન્ટર બનાવશે; અશ્વોની સંખ્યામાં વધારવા લક્ષ્ય નિર્ધારિત કરી મિશન મોડ પર કામગીરી કરાશે”

“કાઠીયાવાડી અશ્વના શૌર્ય, સ્થિર સ્વભાવ અને સતર્કતાના ગુણોને ધ્યાને લઈ જાહેર સેવામાં તેમનો ઉપયોગ કરાય છે”
.
“તત્કાલીન દેશના પર્યાવરણ મંત્રી અને વાંકાનેરના રાજવી દિગ્વિજયસિંહ ઝાલાએ પર્યાવરણ ક્ષેત્રે ભગીરથ કાર્ય કર્યું; તેમણે અશ્વ શોની શરૂઆત કરાવી હતી”

“અશ્વ એ યોદ્ધાનો આત્મસાર્થી કહેવાય છે, ઇતિહાસમાં મહાન યોદ્ધાઓના અશ્વની ગાથાઓ પણ સ્વર્ણ અક્ષરે લખાયેલી છે”શિક્ષણ રાજ્યમંત્રીશ્રી રિવાબા જાડેજા

ગીરના સાવજ, ગીર ગાય અને કાઠીયાવાડી અશ્વએ સૌરાષ્ટ્રને દેશ અને વિશ્વ કક્ષાએ આગવી ઓળખ અપાવી છે”સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલા

મહાનુભાવની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ પોલીસ માઉન્ટના અશ્વ સવાર પોલીસ જવાનોનું કરતબ પ્રદર્શન અને શ્રેષ્ઠ અશ્વ શણગાર સ્પર્ધા યોજાઇ

મોરબી એ ઐતિહાસિક ધરોહર છે ત્યારે સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે મહત્વના સ્થળ એવા વાંકાનેર ખાતે સરકારના પશુપાલન વિભાગ તથા કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વાંકાનેરના રાજવી સ્વશ્રી ડો. દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં ત્રિદિવસીય કાઠિયાવાડી મારવાડી અશ્વ પ્રદર્શન – રમતોત્સવ ‘કામા અશ્વ શો’ નો પશુપાલન કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી રિવાબા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વિધિવત શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ અને પ્રોટોકોલ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ અશ્વનું સંવર્ધન થાય અને તેમની સંખ્યા વધે તે માટેના પ્રયાસો કર્યા તે અંતર્ગતનું આ અનન્ય આયોજન છે. રાજ્ય સરકાર અનેકવિધ આયોજનો અને યોજનાઓ સાથે પશુ સંવર્ધન ક્ષેત્રે આગળ વધી રહી છે. આપણી નવી પેઢી આપણા સાંસ્કૃતિક ધરોહર સમાન અશ્વ વિશે જાણે, સમજે અને શીખે તે માટે આ પ્રકારના આયોજન ખરેખર પ્રેરણાદાયી છે.
અશ્વ એ આપણી સંસ્કૃતિમાં શક્તિ, લાભ અને શુભનું પ્રતીક છે ત્યારે સરકાર દ્વારા આગામી સમયમાં વધુ એક અશ્વોની દેશી જાતિના માટેનું બ્રીડિંગ સેન્ટર બનાવવામાં આવશે. અશ્વોની સંખ્યામાં વધારો થાય તે માટે લક્ષ્ય નિર્ધારિત કરી મિશન મોડ પર કામગીરી કરવામાં આવશે.
કાઠીયાવાડી અશ્વ તેમના શોર્ય અને સાહસ માટે જાણીતા છે એટલે જ તેમના શોર્ય, સ્થિર સ્વભાવ અને સતર્કતાના ગુણોને ધ્યાનમાં લઇ પોલીસ જાહેર સેવામાં પણ કાઠીયાવાડી અશ્વનો ઉપયોગ કરવામાં આવે છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં બીમાર ઘોડાઓને હેરાન અને ન કરવામાં આવે તે માટે સ્પર્ધા પહેલા બ્લડ સેમ્પલ લેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી યોગ્ય તપાસ બાદ ૩૦૦ થી વધુ રજીસ્ટ્રેશન પૈકી ૨૫૦ જેટલા ઘોડાઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે.
વાંકાનેર સ્ટેટ અને તત્કાલીન દેશના પર્યાવરણ મંત્રી સ્વશ્રી ડો.દિગ્વિજયસિંહ ઝાલાએ પર્યાવરણ ક્ષેત્રે ભગીરથ કાર્ય કર્યું છે. તેમણે વાંકાનેર ખાતેથી ૧૯૯૪ માં અશ્વ શોનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે આજે તેની સ્મૃતિમાં આ કાર્યક્રમ યોજાયો છે ત્યારે હું તેમને વંદન કરું છું. તેમના સમયમાં તેમણે લોકહિતકારી રાજા બની શિક્ષણ, આરોગ્ય કન્યા કેળવણી સહિતના પ્રજાલક્ષી કાર્યો કર્યા હતા.

પ્રાસંગિક ઉદબોધન આપતા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજયમંત્રીશ્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ભારતની વૈદિક સંસ્કૃતિથી અશ્વ આપણી પરંપરાનો અભિન્ન ભાગ રહ્યા છે. રામાયણ મહાભારત સહિતના મહત્વના ગ્રંથોમાં અશ્વમેઘ યજ્ઞનો ઉલ્લેખ અશ્વની ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્યની પ્રતીતિ કરાવે છે. અશ્વ એ યોદ્ધાનો આત્મસાર્થી કહેવાય છે ત્યારે ઇતિહાસમાં પણ મહારાણા પ્રતાપ, શિવાજી, ઝાંસીની રાણી સહિતના યોદ્ધાઓના અશ્વની ગાથાઓ પણ સ્વર્ણ અક્ષરે લખાયેલી છે. સરકારના પશુપાલન વિભાગ દ્વારા અશ્વની જાળવણી માટેની પ્રવૃત્તિઓ, બ્રીડિંગ તથા તેમના જતન માટેની કામગીરીની તેમણે સરાહના કરી હતી.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેટશ્રી કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, શૂરવીરોએ માતૃભૂમિ નું રક્ષણ કરવા જે બલિદાન આપ્યું તેમનીએ શોર્ય કથાઓ અશ્વ વિના અધુરી છે. ગીરના સાવજ, ગીર ગાય અને કાઠીયાવાડી અશ્વએ સૌરાષ્ટ્રને દેશ અને વિશ્વ કક્ષાએ આગવી ઓળખ અપાવી છે. ૧૭ મો કામા અશ્વ શો મોરબી અને વાંકાનેર માટે ગર્વની બાબત છે. કાઠીયાવાડી ઘોડાની નસલ ને જીવંત રાખવામાં ભોગ આપનાર સર્વેને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજકોટ પોલીસ માઉન્ટના અશ્વ સવાર પોલીસ જવાનોએ કરતબ પ્રદર્શન કર્યું હતું અને શ્રેષ્ઠ અશ્વ શણગાર સ્પર્ધા પણ યોજાઇ હતી. મહાનુભાવોના હસ્તે અશ્વ વિશેની માહિતી આપતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ અશ્વપાલકોને મળી આવા આયોજનોમાં સહભાગી બનવા શુભેચ્છા પાઠવી હતી અને તેમની સાથે ઔપચારિક ચર્ચા કરી હતી.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, પશુપાલન નિયામકશ્રી ડો. ફાલ્ગુની ઠાકર, વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકશ્રી ડો. ભરતસિંહ ગોહિલ, જસદણ સ્ટેટશ્રી સત્યજિતકુમાર ખાચર, આચાર્યશ્રી ઘનશ્યામજી મહારાજ, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી વિપુલ સાકરીયા, મામલતદારશ્રી કે.વી. સાનિયા, કાઠિયાવાડી હોર્સ બ્રીડર એસોસિએશનનાશ્રી અજીતસિંહ ગોહિલ સહિત કાઠીયાવાડી મારવાડી અશ્વ શો ના પદાધિકારીશ્રીઓ તથા અશ્વપાલકો અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!