MORBI:મોરબી સિવિલ હોસ્પિટલમાં ફેફસાંના નિષ્ણાત ડૉકટરની નિમણૂક તથા છાતી-ક્ષયરોગ (ચેસ્ટ ટીબી ) અનિયમિતાઓ અંગે અધિક્ષકને રજૂઆત

MORBI:મોરબી સિવિલ હોસ્પિટલમાં ફેફસાંના નિષ્ણાત ડૉકટરની નિમણૂક તથા છાતી-ક્ષયરોગ (ચેસ્ટ ટીબી ) અનિયમિતાઓ અંગે અધિક્ષકને રજૂઆત
મોરબી જીલ્લામાં સિલીકોસિસ જેવી જીવલેણ બીમારીથી પીડાતા દર્દીઓની હાલાકીને વાચા આપવા માટે સિલીકોસિસ પીડિત સંઘ દ્વારા સિવિલ હોસ્પીટલના સત્તાધીશો સહીત ઉચ્ચકક્ષાએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. સંઘના જણાવ્યા અનુસાર, મોરબીમાં હજારો શ્રમિકો ધૂળ અને પથ્થરના ઉદ્યોગોમાં કામ કરે છે, જેમને ફેફસાની ગંભીર બીમારીઓ થવાનું જોખમ છે. છતાં મોરબી સિવિલ હોસ્પીટલમાં ફેફસાંના નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી નથી. છેલ્લાં એક વર્ષથી આ માંગણી પેન્ડીંગ હોવાથી ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પીટલના મોંઘા ખર્ચ વેઠવાની નોબત આવે છે.
આ ઉપરાંત હોસ્પીટલની ગેરવ્યવસ્થાઓ અંગે સંઘે જણાવ્યું કે, હોસ્પીટલની ચેસ્ટ- ટીબી ઓપીડી નંબર ૨૦ માં કાયમી ડોકટરો ગેરહાજર રહે છે અને માત્ર ઇન્ટર્ન દ્વારા ગાડું ગબડાવવામાં આવે છે. આ કારણે દર્દીઓને અન્ય ઓપીડીમાં મોકલવામાં આવતા ત્યાં ભારે ભીડ સર્જાય છે અને ગંભીર રીતે બીમાર દર્દીઓને કલાકો સુધી હાલાકી ભોગવવી પડે છે. રજુઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક ડોકટરો ખાનગી હોસ્પિટલો ચલાવવા સરકારી ડ્યુટીના સમયે ગેરહાજર રહે છે, જે સીધી રીતે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરવા સમાન છે.
આ પ્રશ્નોના નિરાકરણ માટે સંઘ દ્વારા મુખ્યમંત્રી સેતુ યોજના હેઠળ નિષ્ણાંત ડોક્ટરની નિમણૂક કરવા, ઓપીડીમાં સીસીટીવી તપાસી ગેરહાજર ડોકટરો સામે શિસ્તભંગના પગલાં લેવા અને પારદર્શકતા માટે દરેક ઓપીડી બહાર ડોક્ટરનું નામ અને સમયપત્રક પ્રદર્શિત કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે કલેકટર , આરોગ્યમંત્રી, અને આરોગ્ય સચિવને પણ જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.










