Rajkot: ખેલ મહાકુંભ ૩.0 : રાજકોટ ખાતે રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ
તા.૧૮/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ધારાસભ્યો સર્વે શ્રી ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ યોજાયો
Rajkot: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગત તા. ૫ જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતેથી ખેલ મહાકુંભ મહાકુંભ 3.0 નો પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે રાજકોટ માટે ગૌરવ સમાન રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ ધારાસભ્યો સર્વે શ્રી ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે આજરોજ કરવામાં આવ્યો હતો
આ ઉદઘાટન સમારોહ પ્રસંગે ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આગળ વધે તે માટે વર્ષ ૨૦૧૦ માં ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો. આજે ૧૫ વર્ષના ગાળામાં ૬૬ લાખથી વધુ લોકો ખેલ મહાકુંભમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ઉત્કૃષ્ઠ ખેલાડી પ્રતિભા બહાર આવે તે માટે રૂ. ૩૫૨ કરોડનું બજેટ ફાળવેલ છે. જે રમતગમત ક્ષેત્રે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમ ડો. દર્શિતાબેને જણાવ્યું હતું.
આ તકે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ રમતગમતનો વ્યાપ વધે તે માટે ખેલ મહાકુંભ જેવા આયોજનો જરૂરી હોવાનું જણાવી કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ પ્રતિભા બહાર આવે તે માટે રાજ્ય પૂરતું સીમિત ન રહેતાં કેન્દ્ર કક્ષાએ પણ ‘ખેલો ઈંડિયા’ જેવા વિશાળ આયોજનો હાથ ધર્યા છે.
અગ્રણી શ્રી માધવ દવે, રાજકોટ ડીસ્ટ્રીકટ બેડમિન્ટન એસોસિએશનના શ્રી ભૂષણ પંડ્યાએ પ્રાસંગિક પ્રવચનમાં રાજકોટ ખાતે જુદા જુદા જિલ્લાઓમાંથી પધારેલા સ્પર્ધકોનું સ્વાગત કરી સફળતા મેળવે તે માટે પ્રેરણા પુરી પાડી હતી.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર, રાજકોટના ઉપક્રમે રાજયકક્ષાની ખેલ મહાકુંભ ૩.૦ બેડમિન્ટન સ્પર્ધામાં ઓપન એઇજ ગ્રુપ તેમજ ૪૦ અને ૬૦ વર્ષ ઉપરના ભાઇઓ /બહેનો માટેની સ્પર્ધાઓ આજથી તા.૨૧ એપ્રિલ સુધી ચાલશે.
આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમાબેન મદ્રાએ સ્વાગત પ્રવચન તેમજ જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વી.પી. જાડેજાએ આભારવિધિ કરી હતી. ટેક્નિકલ હેડ હસમુખ સાવલિયા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ફિઝિકલ ડાયરેક્ટર ડો. હરીશ રાબા, ચીફ રેફરી તેમજ નોડલ ઓફિસર શ્રી નિકુંજ પરમાર, ડીસ્ટ્રીકટ બેડમિન્ટન એસોસિએશનના સર્વેશ્રી જયદીપસિંહ જાડેજા, હિમાંશુ મહેતા, કિશોર હાપલીયા સહીત વિવિધ જિલ્લામાંથી આવેલા કોચ તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતાં.