ભરૂચમાં મેડિકલ સ્ટોર્સ પર કાર્યવાહી:CCTV કેમેરા વગરની 6 દવાની દુકાનો સામે ગુનો દાખલ


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ મેડિકલ સ્ટોર્સની વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટરના જાહેરનામા અનુસાર, શિડ્યુલ એચ, એચ1 અને એક્સ દવાઓનું વેચાણ કરતી દુકાનોમાં CCTV કેમેરા ફરજિયાત છે.
પીઆઈ એ.એ. ચૌધરીની આગેવાની હેઠળની ટીમે એસઓજી અને ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સાથે મળીને શહેરી વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવ્યું. આ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મેડિકલ સ્ટોર્સની તપાસણી કરવામાં આવી.
તપાસ દરમિયાન 6 મેડિકલ સ્ટોર્સમાં CCTV કેમેરા ન હોવાનું જણાયું. આ દુકાનોમાં અંદર તેમજ બહારના ભાગે સ્પષ્ટ CCTV કેમેરા લગાવવાના નિયમનું ઉલ્લંઘન થયું હોવાથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તમામ મેડિકલ સ્ટોર્સમાં CCTV કેમેરા મૂકવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આમ છતાં કેટલાક દુકાનદારોએ આ નિયમનું પાલન ન કરતા પોલીસ અને ડ્રગ્સ વિભાગને કાર્યવાહી કરવાની ફરજ પડી છે.
				



