GUJARATKUTCHMANDAVI

સમગ્ર શિક્ષાના ઉપક્રમે ભુજ ખાતે દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી ,તા. ૧૯ ડિસેમ્બર : સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા અત્રેના બી.આર.સી.ભવન ખાતે તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ – અલગ કેટેગરી જેવી કે શ્રવણમંદ, અપંગ,મનોદિવ્યાંગ જેવા દિવ્યાંગ બાળકોને વ્હીલ ચેર ,બ્રેઇલ કીટ, હીયરીંગ એડ, કેલીપર અને રોલર જેવા જરૂરિયાત મુજબના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અંદાજિત 100 થી ઉપર વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાજર રહી કેમ્પનો લાભ લીધો હતો. ઉપસ્થિતોને આવવા – જવાનું ભાડું પણ ચૂકવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે એસ.એસ. એ . દ્વારા આ પ્રકારનુ આયોજન દર વર્ષે કરવામાં આવે છે જેમાં પહેલા એસેસમેન્ટ કેમ્પ ત્યારબાદ સાધન વિતરણ અંગેનો કેમ્પ કરવામાં આવે છે જેના સાધનો એલીમકો કંપની દ્વારા બનાવવામાં આવે છે.

કાર્યક્રમ માં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ હરીસિંહ જાડેજા,જિલ્લા I.E.D. કો-ઓર્ડીનેટર વિષ્ણુભાઈ પ્રજાપતિ, બી.આર.સી. કો-ઓર્ડીનેટર ભરતભાઈ પટોડીયા, દિવ્યાંગ શિક્ષક સંઘના ખાસ ટ્રસ્ટી કિરીટસિંહ ઝાલા સહિતનાઓ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેઓના હસ્તે દિવ્યાંગ બાળકોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયોજનને સફળ બનાવવા સંદીપભાઈ ત્રિવેદી, નૈમેષ પટેલ, મનોજ જોશી અને I.E.D.S.S. ના તમામ શિક્ષકો અને સી. આર. સી.ઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ પાંડવે કર્યું હતું જ્યારે આભારવિધિ કિરીટસિંહ ઝાલાએ કરી હતી.

Back to top button
error: Content is protected !!