MORBIMORBI CITY / TALUKO

મોરબીમાં ફરી એક યુવાનની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા!

 

મોરબીમાં શનાળા રોડ પર સરદાર બાગ પાસે રાત્રીનાં સમયે યુવાનની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા!

 

(રીપોર્ટ:-શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્ય સમાચાર મોરબી)

મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ સામાન્ય બાબતે મારામારી, હુમલા જેવા ગંભીર બનાવો નું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ગુરુવારે રાત્રે મોરબીનાં શનાળા રોડ પર ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં એક યુવાનની છરીના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી હોય હરકતમાં આવી ગયેલ પોલીસ તંત્ર દોડતું થયું છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબીના શનાળા રોડ પર સરદારબાગથી આગળ આવેલ રંગોલી આઇસ્ક્રીમની સામે આ ઘટના બની છે જેમાં જતિન સોની નામનો યુવાન પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ઓવરટેક કરવા જેવી બાબતે બે બાઈક સવારો સાથે તેનો વિવાદ થયો હતો. આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બાઈક સવારોએ ઉશ્કેરાઈને જતિન સોની પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. યુવાનને ગંભીર ઈજાઓ પહોંચાડીને હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા. આઘટનાને પગલે ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે હુમલો એટલો ઘાતકી હતો કે યુવાને જીવ ગુમાવ્યો હતો. આ ચકચારી બનાવની જાણ થતાં જ ડીવાયએસપી જે.એમ.આલ, મોરબી એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ રાકેશ પટેલ.એલસીબી પીઆઇ મયંક પંડ્યા તેમજ અન્ય પોલીસ સ્ટાફ તાત્કાલિક ક્રિષ્ના હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. હાલ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!