મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીમાં નમો વનની મુલાકાત લીધી
૪૦ હેક્ટરમાં લીલાછમ બનેલા નમો વનને જોઈ રાજીપો વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી

માહિતી મોરબી તા.૨૩ જાન્યુઆરી
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીમાં રફાળીયા સ્થિત નમો વનની મુલાકાત લીધી હતી. આ તકે નમો વનમાં વિકસાવવામાં આવેલી વિવિધ પર્યાવરણીય સુવિધાઓ અને હરિયાળા વૃક્ષોનું મુખ્યમંત્રીશ્રીએ નિરીક્ષણ કરી પાંજરાપોળ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ તકે નમો વનની સંભાળ, વિકાસ અને વિસ્તરણ અંગે મુખ્યમંત્રીશ્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃધ્ધાશ્રમ તથા વન વિભાગ દ્વારા નિર્મિત દસ લાખ વૃક્ષોના વનકવચનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગત તા.૧૭ સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મોરબી ખાતે લોકાર્પણ કર્યું હતુ. ૪૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ વનકવચમાં મુખ્યમંત્રીશ્રીએ વૃક્ષારોપણ કર્યુ હતું. ત્યારે ચાર મહિનાના ટૂંકા સમયગાળામાં નમો વન વૃક્ષોનાં વિસ્તારથી લીલુછમ બનતા મુખ્યમંત્રીશ્રીએ રાજીપો વ્યક્ત કર્યો હતો.
રાષ્ટ્રના વિકાસ સાથે પર્યાવરણનું જતન કરવાની વડાપ્રધાનશ્રીની નેમને રાજ્ય સરકાર સુપેરે સાકાર કરી રહી છે.
પર્યાવરણના વિવિધ પડકારોને નિવારવા માટે વૃક્ષો વાવી તેની માવજત કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ત્યારે મોરબી ખાતે વિકસતું નમો વન શહેરની શોભા વધારવાની સાથે ઓક્સિજનમાં વધારો કરશે. તેમજ લોકોને પર્યટન સ્થળ મળી રહેશે. મુખ્યમંત્રીશ્રી સાથે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા સહિત પાંજરાપોળ ટ્રસ્ટનાં ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.











