હાલોલ – નગરપાલિકાના પ્રમુખ તરીકે નિશાબેન દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ પટેલની વરણી અન્ય હોદ્દેદારો પણ નિમાયા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૫.૩.૨૦૨૫
હાલોલ નગરપાલિકાની ચૂંટણીઓમાં નવ વોર્ડની ચૂંટણીઓના પરિણામ બાદ 36 બેઠકો પૈકી 34 બેઠકો પર ભાજપાના ઉમેદવારો વિજય થયા હતા.જ્યારે બે બેઠક પર ભાજપા પ્રેરિત અપક્ષ ઉમેદવાર વિજય થતા ભાજપા એ 36 માં થી 36 બેઠક પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ આજરોજ યોજાયેલ પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ ની ચૂંટણીમાં આ ત્રણ હોદ્દાઓ પર ભાજપા ના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થતા ભાજપ કાર્યકર્તાઓ માં ભારે ઉત્સાહ સાથે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.હાલોલ નગરપાલિકા ના બે વર્ષના વહીવટદારના શાસન બાદ આજરોજ ફરી એકવાર નગરપાલિકામાં પ્રજાના પ્રતિનિધિઓએ સત્તાના સુકાન સંભાળી લીધા છે.જે અંતર્ગત આજ રોજ બપોરના ત્રણ કલાકે નગરપાલિકા હોલમાં ચૂંટણી અધિકારી હાલોલ પ્રાંત અધિકારી પ્રવીણ વિઠાણી ની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ ની ચૂંટણીમાં પ્રમુખ તરીકે નિશાબેન અરુણકુમાર દેસાઈ, ઉપપ્રમુખ તરીકે ડૉ.સંજયભાઈ ડાહ્યાભાઈ પટેલ, તેમજ કારોબારી અધ્યક્ષ તરીકે પ્રમોદસિંહ દિલીપસિંહ રાઠોડ,પક્ષના નેતા તરીકે અરવિંદસિંહ ભરતસિંહ પરમાર, તેમજ દંડક તરીકે અલકાબેન પ્રવીણભાઈ પંચાલનો ભાજપા પાર્ટી દ્વારા મેન્ડેટ આવતા આ તમામ હોદ્દાઓ પર માત્ર આ પાંચ વ્યક્તિઓજ દાવેદારી નોંધાવતા સર્વનુમતે આ પાંચ હોદ્દા ઉપર આ પાંચ વ્યક્તિઓને ચૂંટણી અધિકારી દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.આજે બપોરે ત્રણ કલાકે હાલોલ નગર પાલિકા ના પ્રમુખ, ઉપપ્રમુખ ની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાવાની હોવાને કારણે નગર સેવકોના ટેકેદારોના ટોળેટોળા કોણ પ્રમુખ, ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ થાય છે તે જોવા માટે ઉત્સુકતાપૂર્વક મોટી સંખ્યામાં ટેકેદારો ઉમટી પડ્યા હતા.અત્રે ઉલ્લેખનીય એ છે કે આવનારા પાંચ વર્ષ દરમિયાન હાલોલ નગરપાલિકા ખાતે વિરોધ પક્ષનો શૂન્યાવકાશ હોય પ્રજાના પ્રશ્નોને કોણ વાચા આપશે તે વિષય નગરમાં ચર્ચાના એરણે રહેવા પામ્યો છે.તંદુરસ્ત લોકશાહી માટે વિપક્ષની ભૂમિકા અત્યંત અગત્યની હોય છે.પ્રજાના પ્રશ્નોને વિપક્ષ જ સાચા અર્થમાં ઉઠાવતા હોય છે.તેવી ધારણા પ્રજાજનોમાં હોય છે,ત્યારે અહીંયા પ્રજાનો પ્રશ્ન કોણ ઉઠાવશે ? વિરોધ પક્ષની ભૂમિકા કોણ ભજવશે ? જેવા પ્રશ્નો હાલોલ ના નગરજનોમાં ચર્ચાઇ રહ્યા છે.