AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહેતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ખરાબ હવામાનનાં પગલે પ્રવાસીઓની સુરક્ષાને લઈને ગિરિમથક સાપુતારાનાં સર્પગંગા તળાવમાં ચાલતી બોટીંગ એક્ટિવિટી એક બે દિવસ માટે બંધ કરવામાં આવી..

પ્રાપ્ત વિગત અનુસાર દક્ષિણ ગુજરાતનાં ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘો જામ્યો છે.હાલમાં ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે.ડાંગ જિલ્લામાં મેઘો જામતા ડાંગી ખેડૂતો ડાંગરની રોપણીમાં વ્યસ્ત બન્યા છે.મંગળવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,સાકરપાતળ,વઘઇ,ઝાવડા,ભેંસકાતરી, કાલીબેલ,બરડીપાડા,સુબિર, સિંગાણા, પીપલાઈદેવી,લવચાલી, ચિંચલી, ગારખડી, પીપલદહાડ,આહવા,બોરખલ,ગલકુંડ સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં દિવસભર અવિરતપણે વરસાદી માહોલ યથાવત રહેતા સમગ્ર પંથકોમાં પાણીની રેલમછેલ જોવા મળી હતી.ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી અવિરતપણે પડી રહેલા વરસાદનાં ડાંગની લોકમાતાઓમાં અંબિકા,ગીરા,ખાપરી,પૂર્ણા અને ધોધડ નદી ગાંડીતુર હાલતમાં વહેતી થઈ છે.ડાંગ જિલ્લામાં નદી,નાળા,વહેળા અને કોતરડાઓ ગાંડાતુર બનતા નાનામોટા જળધોધ સહીત મુખ્ય ધોધમાં ગીરાધોધ વઘઇ અને ગીરમાળનો ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા.સાથે વરસાદી માહોલમાં આ રમણીય ધોધનો સુંદર નજારાને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.જેમાં ગિરિમથક સાપુતારા ખાતે વહેલી સવારથી જ ખરાબ હવામાન જોવા મળ્યુ હતુ. ગિરિમથક સાપુતારા ખાતે ભારે પવનનાં સુસવાટામાં અવિરતપણે વરસાદની હેલીઓ ચાલુ જ રહેતા જોવાલાયક સ્થળો પાણીથી તરબતર થઈ જવા પામ્યા હતા. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી હેલીઓની વચ્ચે દિવસભર ગાઢ ઘુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા સમગ્ર સાપુતારા સફેદ ચાદરમાં વિલુપ્ત થઈ ગયુ હતુ.ગિરિમથક સાપુતારામાં દિવસભર ગાઢ ઘુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા સમગ્ર દ્રશ્યો મીનીકાશ્મીર જેવા ભાસી ઉઠ્યા હતા. સાપુતારા સહીત ઘાટમાર્ગમાં દિવસભર ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા વિઝીબિલિટી ઝીરો થઈ ગઈ હતી.જેના પગલે પ્રવાસી વાહનચાલકોએ વાહનોની સિગ્નલ અને હેડલાઈટ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉઠી હતી.તો બીજી તરફ વરસાદી માહોલમાં સાપુતારા ઘાટમાં એક સ્થળે માટીનો મલબો અને પથ્થરો માર્ગ નજીક ધસી પડ્યા હતા. પરંતુ આ પથ્થરો અને મલબો માર્ગની સાઈડમાં હોય જેથી વાહનવ્યવહારને કોઈપણ જાતની અસર થઈ ન હતી.સાથે દિવસભર વાહનવ્યવહાર પૂર્વરત જોવા મળ્યો હતો.

બોક્ષ:-(1)ગિરિમથક સાપુતારા ખાતે ખરાબ હવામાનનાં પગલે બોટીંગ એક્ટિવિટી બંધ કરવામાં આવી.ગિરિમથક સાપુતારા ખાતે મંગળવારે દિવસભર ભારે પવનનાં સુસવાટામાં વરસાદી હેલીઓ ચાલુ જ જોવા મળી હતી.સાથે ગાઢ ધુમ્મસ પણ છવાઈ જતા વિઝીબિલિટી ઘટી હતી.જેથી સાપુતારા નોટિફાઈડ તંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તથા ખરાબ હવામાનનાં પગલે એક બે દિવસ માટે બોટિંગની એક્ટિવિટી બંધ કરી છે.સાપુતારા ખાતે આવનાર એક બે દિવસ બાદ વાતાવરણ ચોખ્ખુ થયા બાદ સુરક્ષા સાથે ફરી બોટિંગ શરૂ થશે.

બોક્ષ:-(2)વરસાદી માહોલમાં મોન્સૂન ફેસ્ટિવલનાં કાર્યક્રમો માણવા પ્રવાસીઓની ભારે ભીડ.ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ગિરિમથક સાપુતારા ખાતે ગત શનિવારથી પ્રારંભ કરાયેલ મોન્સૂન ફેસ્ટિવલને ચાલુ વર્ષે પુષ્કળ પ્રતિસાદ મળી રહ્યો છે.ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સ્વાગત સર્કલ નજીક બનાવેલ ડોમમાં રોજેરોજ નિત નવા કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવે છે.ત્યારે હાલમાં વરસાદી માહોલમાં પણ મોન્સૂન ફેસ્ટિવલનાં ડોમમાં કાર્યક્રમોનો આસ્વાદ માણવા માટે પ્રવાસીઓની ભીડ ઉમટી રહી છે.મોન્સૂન ફેસ્ટિવલનાં સુચારૂ આયોજનથી સાપુતારા ખાતે ફરવા આવેલ પ્રવાસીઓ કુદરતી સૌંદર્યની સાથે સાથે વિવિધ કાર્યક્રમોની રમઝટ, હસ્તકલા બજાર અને ડાંગની પરંપરાગત બનાવટોની ખરીદી કરી ધન્યતા અનુભવી રહ્યા છે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 67 મિમી અર્થાત 2.68 ઈંચ, વઘઇ પંથકમાં 65 મિમી અર્થાત 2.6 ઈંચ, સુબિર પંથકમાં 68 મિમી અર્થાત 2.72 ઈંચ જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 82 મિમી અર્થાત 3.28 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..

Back to top button
error: Content is protected !!