MORBI:મોરબી ટ્રાફિક પોલીસની માનવતા: મચ્છુ-3 ડેમમાં ઝંપલાવનાર યુવાનને મોતના મુખમાંથી ઉગારી લીધો

MORBI:મોરબી ટ્રાફિક પોલીસની માનવતા: મચ્છુ-3 ડેમમાં ઝંપલાવનાર યુવાનને મોતના મુખમાંથી ઉગારી લીધો
મોરબી: શહેરની ટ્રાફિક પોલીસના જવાનોએ આજે પોતાની ફરજની સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મચ્છુ-3 ડેમમાં પડતું મૂકનાર એક યુવાનને ટ્રાફિક પોલીસ અને લોકોની સતર્કતાને કારણે જીવતદાન મળ્યું છે.
મચ્છુ-3 ડેમ પાસે એક અજાણ્યા યુવાને કોઈ અગમ્ય કારણોસર ડેમમાં ઝંપલાવ્યું હતું. આ ઘટના જોતા જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. તે સમયે ફરજ પર હાજર ટ્રાફિક ઇન્ચાર્જ જીલુભાઈ ગોગરા, ડ્રાઇવર મહેશભાઈ ગઢવી અને રોહિતભાઈ ત્વરિત હરકતમાં આવ્યા હતા.પોલીસ જવાનોએ જરા પણ વિલંબ કર્યા વગર સ્થાનિક પબ્લિકની મદદ લીધી હતી. પાણીમાં ડૂબી રહેલા યુવાનને ભારે જહેમત બાદ સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો હતો. સમયસર મળેલી આ મદદને કારણે યુવાનનો જીવ બચી ગયો હતો.સમજાવટ બાદ પરિવાર સાથે મિલન
યુવાન માનસિક રીતે ભાંગી પડ્યો હોવાનું જણાતા, પોલીસ જવાનોએ માત્ર તેને બચાવીને સંતોષ ન માન્યો, પરંતુ તેની સાથે આત્મીયતાથી વાતચીત કરી હતી. જીલુભાઈ ગોગરા અને તેમની ટીમે યુવાનનું કાઉન્સેલિંગ કરી, તેને જીવનનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ આ યુવાનને સુરક્ષિત રીતે તેના ઘરે મોકલી આપીને પોલીસે ‘સેવા, સુરક્ષા અને શાંતિ’ના સૂત્રને સાર્થક કર્યું હતું.







