Rajkot: બંને પગ પર ઉભા રહેવા અસમર્થ ઘાયલ દર્દીને ચાલતો કરી આપતી રાજકોટ સિવિલ
તા.૨૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
યુવકને કરોડરજ્જુના મણકામાં થયેલી ગંભીર ઈજાની કુશળ સર્જરી અને ફિઝીયોથેરાપી થકી શારીરિક ખોડ નિવારી શકાઈ
સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ઓ.પી.ડી. સારવાર પૂરી પાડતી રાજકોટની સિવિલમાં લોકોનો ભરોસો અકબંધ
Rajkot: એક સમય એવો હતો જ્યારે સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો જ સારવાર લેવા જતા, પરંતુ હવે સમય બદલાયો છે. સમયબદ્ધ, સફળ સારવાર, ગંભીર સર્જરી માટે પહેલી પસંદગી સિવિલ હોસ્પિટલ બની રહી છે. જેનું કારણ છે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં ઉત્કૃષ્ઠ તબીબોની ટીમ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આયુષ્માન કાર્ડધારકોને નિઃશુલ્ક સારવારની ઉપલબ્ધિ.
સૌરાષ્ટ્રની મહત્વપૂર્ણ ગણાતી રાજકોટની પી.ડી.યુ. સિવિલમાં તબીબોની મહેનતના કારણે અનેક કિસ્સામાં સફળ સર્જરી થકી દર્દીઓને નવજીવન મળ્યું છે. જેમાં હાલમાં જ એક અકસ્માતના કિસ્સામાં ગંભીર રીતે ઘાયલ દર્દી ઉભા થવા પણ અસમર્થ હતો, જેની મણકાની સફળ સર્જરીને પરિણામે આજે દર્દી ચાલતો થયો છે.
આ અંગે સિવિલ ઓર્થોપેડિક વિભાગના મણકાના સર્જન ડોક્ટર શ્રી હિમાંશુ પરમાર અને ડો. કૃણાલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વાહન અકસ્માતમાં યુવાન રાહુલભાઈને મણકામાં ગંભીર ઇજા પહોંચેલી, જેના કારણે કમરથી નીચેનો ભાગ ખોટો પડી ગયો હતો. બંને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. નિદાન બાદ દર્દીની સ્થિતિ જોતા તેમની તાત્કાલિક સર્જરી જરૂરી હતી. સિવિલના ઓર્થપેડીક વિભાગના ડોક્ટરની ટીમ દ્વારા દર્દીના મણકાની સફળ સર્જરી કરવામાં આવી હતી. સાથોસાથ દર્દીની નસ પરના દબાણને દૂર કરવા તેમજ સુકાઈ ગયેલી નસને પુનઃ કાર્યરત કરવા જરૂરી દવાનો કોર્સ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ખાનગી હોસ્પિટલમાં આ સારવારનો ખર્ચ આશરે રૂ. ૪.૫૦ લાખ થવાની સંભાવના સામે સિવિલ હોસ્પિટલમાં પી.એમ.જે.વાય. કાર્ડ યોજના હેઠળ દર્દીની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી છે.
આશરે બે મહિના સારવાર અને જરૂરી ફિઝીયોથેરાપી બાદ હાલ દર્દી ચાલતો થઈ ગયો છે. મેડિકલ સાયન્સમાં આ એક પ્રકારે ચમત્કાર છે તેમ ચોક્કસ કહી શકાય તેમ ડો. કૃણાલ મિસ્ત્રીએ તેમની સમગ્ર ટીમની મહેનતને બિરદાવતા જણાવ્યું હતું.
સિવિલ ખાતે સારવાર લેનાર દર્દી રાહુલભાઈ ગોસ્વામી જણાવે છે કે, આજથી બે મહિના પહેલા હું ટુ-વ્હીલર પર કારખાને નોકરી કરવા જઈ રહ્યો હતો, ત્યારે સામેથી એક ક્રેઈન સાથે મારો ગંભીર અકસ્માત થયેલો. મારા બંને પગ સુન્ન થઈ ગયેલા. મને ૧૦૮ મારફત સિવિલ ખાતે ઇમર્જન્સી સારવાર માટે લાવવામાં આવ્યો હતો. અહીં હાડકાના વિભાગમાં મને સારવાર આપવામાં આવી. મને કરોડરજ્જુના મણકામાં ગંભીર ઇજા થયેલી. મારી સિવિલમાં સર્જરી બાદ હવે હું બિલકુલ સ્વસ્થ છું અને ચાલી શકવા સક્ષમ બન્યો છું. મારા બંને પગ પાછા આવશે કે નહીં તેની મને અને મારા પરિવારજનોને ચિંતા હતી. પરંતુ રાજકોટ સિવિલના ઓર્થોપેડિક વિભાગની કુશળ ટીમે મને હરતો-ફરતો કરી દીધો છે. વિભાગની સમગ્ર ટીમ મારા માટે ભગવાન સમાન છે કે જેમણે મને નવજીવન આપ્યું છે.
ઓર્થોપેડિક વિભાગમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. શૈલેષ રામાવત યુનિટ-૨ના હેડ ઓફ યુનિટ ડો. નિકુંજ મારું, એસો. પ્રો. ડો. હિમાંશુ પરમાર આસિ. પ્રો. ડો. કૃણાલ મિસ્ત્રી અને ડો. શ્રીપાલ દોશી , સિનિયર રેસિડેન્ટ ડો. સુરેશ સુથાર અને ડો. ધીમંત મારવિયા, રેસિડેન્ટ ડો. વિરલ ગામિત, ડો. અનમોલ મિશ્રા, ડો. અંચિત જૈન, ડો. ચિરાગ વાઘેલા, ડો. વિરાજ સહિત સમગ્ર નર્સિંગ સ્ટાફની મહેનતથી રાજકોટ સિવિલનો ઓર્થોપેડિક વિભાગ વાહન અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા દર્દીઓ માટે આશા અને આસ્થાનું ધામ બની ચુક્યો છે.