ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનો અનુભવ યથાવત રહેવાની આગાહી

રાજ્યમાં છેલ્લા અમુક દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા અમુક દિવસોમાં પારો 4 ડિગ્રી સુધી ગગડ્યો છે. ત્યારે આવતા અઠવાડિયામાં પણ હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બર મહિના દરમિયાન વાતાવરણ ઠંડુગાર બન્યું રહેશે તેવી પણ આગાહી કરાઈ છે.
રાજ્યમાં લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા 2-4 દિવસથી રાજ્યમાં ઠંડા પવનો ફૂકાઈ રહ્યા હોવાથી ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, પૂર્વ ઉત્તર પ્રદેશથી હાલમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હોવાથી ગુજરાત પર ઠંડા પવનો ફૂકાઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતનાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. હાલમાં ગુજરાત પર આવતા પવનોની દિશા મુખ્યત્વે ઉત્તર અને ઉત્તરપૂર્વીય છે, જેથી કાશ્મીરમાં જે હિમવર્ષા થઈ છે તેની ઠંડક ગુજરાત સુધી આવી રહી છે.
આગાહી મુજબ, આગામી 4 થી 5 દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે એટલે કે હજુ પણ આગામી 5 દિવસ ગુજરાતવાસીઓ માટે ઠંડીનું જોર યથાવત રહેશે. ત્યારબાદ 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે. જો કે, ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડવાની શક્યતાઓ પણ છે. તાપમાનની વાત કરીએ તો નલિયામાં 7.6 ડિગ્રી તાપમાન રહેતા સૌથી ઠંડુ શહેર રહ્યું છે, જ્યારે અમદાવાદમાં લઘુતમ તાપમાન 13.9 ડિગ્રી, ગાંધીનગરમાં 12.4 ડિગ્રી, રાજકોટમાં 11.8 ડિગ્રી, મહેસાણામાં 12 ડિગ્રી અને સુરતમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 11, ડીસામાં 10.6 ડિગ્રી અને દ્વારકામાં 18 ડિગ્રી તાપમાન રહ્યું છે.




