MORBI:મોરબીમાં કથળતી કાયદો અને વ્યવસ્થા: જિલ્લા કોંગ્રેસ ટીમ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર

MORBI:મોરબીમાં કથળતી કાયદો અને વ્યવસ્થા: જિલ્લા કોંગ્રેસ ટીમ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર
મોરબી: મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓ, જાહેરમાં હત્યાના બનાવો અને દારૂ-જુગારની બદીઓ સામે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે જિલ્લામાં પોલીસનો ખોફ ઓસરી રહ્યો છે અને સામાન્ય જનતા અસુરક્ષિત અનુભવી રહી છે.
આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, શનાળા મેઈન રોડ જેવા ભરચક વિસ્તારમાં થયેલી હત્યાની ઘટનાએ શહેરની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. આ ઉપરાંત, રોહિશાળા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન થતી ચોરી અને લૂંટફાટના બનાવોને કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ છે. કોંગ્રેસના આગેવાનોએ માંગ કરી છે કે રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ માત્ર કાગળ પર નહીં પણ વાસ્તવિક રીતે વધારવામાં આવે.કોંગ્રેસે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા માળિયા પંથકમાંથી રૂ. 1.63 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો તે સાબિત કરે છે કે સ્થાનિક પોલીસ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.”સ્થાનિક પોલીસ માત્ર 2-5 લીટર દારૂ પકડીને સંતોષ માને છે, જ્યારે વાસ્તવિકતામાં દરરોજ હજારો લીટર દારૂનું વેચાણ થઈ રહ્યું છે.” – જિલ્લા કોંગ્રેસ સમિતિ
શહેર અને ગ્રામ્યના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવું.દારૂ અને જુગારના અડ્ડાઓ પર કાયમી ધોરણે રોક લગાવવી.ઉદ્યોગકારો અને વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જેથી ‘ઔદ્યોગિક હબ’ મોરબીની શાંતિ જળવાઈ રહે.
મોરબીની આર્થિક પ્રગતિ અને વેપાર-ઉદ્યોગ માટે શાંતિપૂર્ણ વાતાવરણ અનિવાર્ય છે, જે બાબતે તંત્ર સજાગ બને તેવી માંગણી કરવામાં આવી છે.









